પૃષ્ઠ:Pankaj.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ : પંકજ
 


સુંદર શણગાર સહ હસતે મુખે પતિની મીઠી નજર મેળવવા પતિ પાસે જઈ રમા ઊભી રહી. પતિને રમાનો દેખાવ ઘણો ગમ્યો છતાં મુખ ઉપર અણગમો બતાવી યુવાન વિનોદે કહ્યું :

'રમા ! આવા – વળ –કર્લ – પાડવા મૂકી દે.'

'કેમ ?'

'મને ગમતું નથી.'

'લોકોની ટીકાથી બીઓ છો ?”

'હું કોઈની ટીકાથી બીતો નથી. વાદવિવાદ ન કરતાં હું કહું તેમ કર.'

'અને હું તેમ ન કરું તો ?'

વિનોદના હૃદયમાં ક્રોધ વ્યાપ્યો. લોકો રમાને સ્વચ્છંદી કહેતા હતા એમાં શું ખોટું હતું ?

'હું કહુ તેમ ન કરવું હોય તો મારી સાથે રહેવાશે નહિ.' વિનોદ બોલ્યો. તેને ખબર નહોતી કે તેનો વગર જરૂરને તાત્કાલિક ક્રોધ પંદર વર્ષના વિયેગનું પરિમાણ પામશે. રમાનું હૃદય પણ દૃઢ હતું. માનભંગ થઈને પતિગૃહમાં રહેવું એ એના યૌવનભર્યા અભિમાનને જરા ય રુચ્યું નહિ.

'સારું.' કહી રમાએ પાછાં પગલાં ભર્યા.

'ક્યાં જાય છે ?'

'મારા બાપને ઘેર.'

'ત્યાં જઈશ તો પછી હું તને બોલાવવાનો નથી.'

'તે તમારા બોલાવ્યા વગર હું પણ પાછી આવવાની નથી. એ નિશ્ચય માનજો.'

આમ કહી રમા પિયર ચાલી ગઈ. બન્નેનાં ડંખતાં હૃદયે પરસ્પર મળવા માટે ઘણાં ય મંથન કર્યા; પરંતુ આત્મઘમંડ તેમને મળવા જ દેતા નહિ. વિયેગ એ સ્થાયી સ્થિતિ બની ગઈ, અને આમ જીવનનાં પંદર વર્ષ પ્રેમના ભગ્ન ખંડેર સમાં બની રહ્યાં.