પૃષ્ઠ:Pankaj.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨ : પંકજ
 


'તું જાણે.' વિનોદરાય બોલ્યા.

અને રમાના પગમાં વેગ આવ્યો. તેણે ઝડપથી એારડો છોડવા માંડ્યો. ઓરડાનું બારણું ઓળંગી ગઈ.

પરંતુ તેને કોણ ખેંચતું હતું ? તેનું લૂગડું કશે ભરાયું હતું કે શું ? તેણે પાછળ જોયું. પાછળ જોતાં બરોબર તેના દેહ ઉપર બે વિશાળ હાથ વીંટળાઈ વળ્યા. વિનોદરાય રમાને દબાવી રહ્યા હતા.

'શું કરો છો? છોડો !' રમણીય મૂંઝવણ અનુભવતી રમાએ સહજ જોરથી કહ્યું.

'શા માટે છોડું ?' વિનોદરાય બોલ્યા.

'મારે જવું છે.'

'મારા હાથમાંથી છુટાય તો ચાલી જા....જોતી નથી હું મૃતજીવન ગાળું છું તે?' કહી વિનોદરાયે હાથ વધારે બળથી ચપસ્યા.

રમાનો નિશ્ચય એકદમ ઓસરી ગયો. તેણે પોતાની નાની પોટલી ઓરડાના ઊંબરા ઉપર પડવા દીધી; એટલું જ નહિ રમાએ પોતાનો દેહ વિનોદરાય ઘસડે તેમ ઘસડાવા દીધો. પતિની બળજબરાઈમાં તેને પંદર વર્ષના વિયોગનો બદલો મળતો લાગ્યો.

પચ્ચીશીની આસપાસ ફરતાં યુગલોની ઘેલછાને ભલે કોઈ જુએ અને હસે. ચાલીશીની આસપાસનાં પ્રગલ્ભ પ્રેમીઓની ઘેલછા ગંભીર એકાન્ત માગે છે. તેને કોઈથી હસાય નહિ.