પૃષ્ઠ:Pankaj.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂર્તિપૂજા



સુરેન્દ્ર ઘેલો થઈ જશે એમ મને લાગે છે.'

'શા ઉપરથી ?'

'સાંભળતા નથી, અંદર એકલો બોલ્યા કરે છે તે ?'

'કોઈ ડોકટરને બતાવીએ.'

'જરૂર. કાંઈ રસ્તો કાઢવો પડશે.'

'વર્ષ થઈ ગયું છતાં હજી પરણવાની ના કહ્યા કરે છે.'

'એટલે ડૉકટરને જ શોધવો રહ્યો.'

સુરેન્દ્રના મિત્રો સુરેન્દ્રના ઘરમાં આગલા ખંડમાં બેસી વાતો કરતા હતા.

સુરેન્દ્ર શિક્ષક હતો. શિક્ષક તરીકે તેણે બહુ ઊંચી શક્તિ દર્શાવી હતી. સહશિક્ષકોમાં તેણે માનભર્યું સ્થાન લીધું હતું, એટલું જ નહિ, પણ તેણે સહશિક્ષકોની મૈત્રી પણ મેળવી હતી. શાળાનું વાતાવરણ પણ ઝીણી ઝીણી ઈર્ષ્યાઓથી મુક્ત હોતું નથી. મુખ્ય શિક્ષકોની મહેરબાની અને વિદ્યાર્થીઓનો પ્રેમ ઈર્ષાના અગ્નિને શાળાઓમાં પણ પ્રજ્વળતો રાખે છે. છતાં સુરેન્દ્ર પ્રત્યે કોઈને ઈર્ષ્યા કે અણગમો નહોતાં.