પૃષ્ઠ:Pankaj.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪ : પંકજ
 

વિદ્યાર્થીઓમાં તો તેને માટે એક જાતને મોહ હતો. નોકરી કરતાં તેને પાંચેક વર્ષ થયાં હતાં.

એકાએક તેની પત્ની ગુજરી ગઈ. ઘણા પુરુષોને માથે એ દુઃખદ પ્રસંગ આવી પડે છે. એ સઘળાંને દુઃખ થાય છે અને સુરેન્દ્રને પણ દુ:ખ થયું. લાગણીના પ્રદર્શન ઉપર જેને કાબૂ હોય તે બહુ દુઃખ રડતો નથી. લાગણીને વશ થઈ જનાર ઘણું રડે છે, ઘણું ગમગીન રહે છે. મિત્રો અને ઓળખીતાં સગાંવહાલાં તેની લાગણીના પ્રદર્શનનું પ્રમાણ જોઈ ઓછીવધતી સહાનુભૂતિ દર્શાવે છે, અને છતાં તેની ઉદાસીનતા ચાલુ રહે તો તેનાની કંટાળી જાય છે. સુરેન્દ્રની દિલગીરી છ માસ સુધી ચાલુ રહી. તેને આશ્વાસન આપી, બીજો કાર્યોમાં રોકી તેનું દુઃખ ઓછું કરવા મથતા તેના બે અંગત મિત્રો મનહર અને ભાનુ હવે કંટાળો અને થાક અનુભવતા હતા. એવામાં એકાએક તેમને લાગ્યું કે સુરેન્દ્રના મુખ ઉપર ફેરફાર થયો છે. છ માસ સુધી ન હસેલો સુરેન્દ્ર હસ્યો ! એટલું જ નહિ, તેણે નકશો અને કેળવણી એ સંબંધમાં રસભરી ચર્ચા પણ કરી !

દુ:ખનો ખરો ઉતાર સમય. મિત્રો રાજી થયા. સુરેન્દ્રની ગમગીની ઓછી થઈ એટલું જ નહિ પણ તે આનંદી દેખાવા લાગ્યો. છ માસ સુધીની દિલગીરી શું એક પ્રેમી માટે ઓછી હતી ! થતું આવ્યું છે ને થાય છે. સમય જતાં ઘા રુઝાય એ કુદરતનો નિયમ છે !

આનંદથી વાર્તાલાપ કરી રહેલા સુરેન્દ્રને ભાનુએ લાગ જોઈને પૂછ્યું :

'કેમ હવે શો વિચાર છે?'

ભાનુની આંખમાં અડધી સહાનુભૂતિ અને અડધી મજાક જોયાં. સુરેન્દ્રને સમજ ન પડી. જે વાતચીત ચાલતી હતી તેમાં ભાનુના પ્રશ્નને સ્થાન નહોતું.

'એ શું પૂછે છે? શાનો વિચાર ?'

‘જાણે સમજતો ન હોય ! અમારી પાસે કહેવડાવવાની દાનત છે, ખરું ને !' મનહરે સહાનુભૂતિ અને મજાક ઓગળ વધાર્યાં.