પૃષ્ઠ:Pankaj.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂર્તિ પૂજા : ૪૫
 


'તમે શું કહેવા માગો છો તે સ્પષ્ટ કરો. આપણે રાજદ્વારી મુત્સદ્દીઓ નથી કે અગમ્ય વાણીમાં સમજી શકીએ.' સુરેન્દ્રે કહ્યું.

'લ્યો, ભાઈ તો સ્પષ્ટ વાત માગે છે ! તે કહે ને એને, ભાનુ !' મનહરે સ્પષ્ટતા કરવા આજ્ઞા આપી.

'કહે, હવે તારે માટે તજવીજ શરૂ કરીએ કે કેમ?' ભાનુએ વ્યવહારકુશળતાનો ભાવ મુખ ઉપર લાવી પુછ્યું.

'અરે પણ શાની તજવીજ ? છે શું ?' હસતાં હસતાં સુરેન્દ્રે પૂછ્યું. તેના હાસ્યથી ઉત્તેજિત થઈ ભાનુએ અગમ્ય વાતાવરણને મૂર્ત બનાવતાં કહ્યું :

'તારાં લગ્નની તજવીજ ! બીજું શું હોય?'

લગ્ન એ મોટે ભાગે તજવીજનો વિષય હોય છે – ખાસ કરી બીજી ત્રીજી વારનું લગ્ન. સુરેન્દ્રના મુખ ઉપર સતેજ આનંદ, સહેજ મૂંઝવણ અને ખેંચી લેવાયેલો ખેદ જોવાની ઈચ્છા રાખનાર બંને મિત્રો સુરેન્દ્રનું મુખ જોઈ ચમક્યા. સુરેન્દ્રની આંખો ખાલી બની ગઈ હતી !

પાંચેક ક્ષણો બાદ સુરેન્દ્રની આંખમાં પ્રકાશ દેખાતો. અર્થહીન બનેલી દ્રષ્ટિમાં અર્થ દેખાયો. તેણે પૂછ્યું કે:

'મારાં લગ્નની તજવીજ ? શા માટે ?'

'જો ભાઈ, હજી ઉમ્મર નાની છે. આખો જન્મારો એકલા રહેવું અશક્ય છે.' ભાનુએ કહ્યું.

'અને એમાં જોખમ પણ છે.' જગતની નીતિ માટે ચિંતા દર્શાવતા મનહરે દલીલ મજબૂત કરી.

'પણ કોણે કહ્યું કે હું એકલો છું?' સુરેન્દ્રે આશ્ચર્ય પામી પૂછ્યું.

'તું અને તારા બુઢ્ઢા નોકર એ સિવાય ઘરમાં બીજું કોણ છે?'

'મારી પત્ની છે.' સુરેન્દ્રે ભાર દઈ કહ્યું.

'ફરી પરણ્યો ? અમને ખબર ન કરી ?'

'તમે તે પાગલ બની ગયા છો કે શુ? એક સામટી મને બે સ્ત્રીઓ પરણાવી છે ? હા... હા...હા...' સુરેન્દ્ર મોટેથી હસ્યો.