પૃષ્ઠ:Pankaj.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ : પંકજ
 


તેણે મિત્રોને પાગલ કહ્યા, પરંતુ તેના હાસ્યમાં એક જાતનું પાગલપણું મિત્રોને સંભળાયું. તેઓ ચમક્યા. સુરેન્દ્રની પત્નીના સ્વર્ગવાસ પછી તેના ઘરમાં કોઈ સ્ત્રીનો ઈશારો સરખો પણ દેખાયો નહોતો. પછી આ સુરેન્દ્ર શું કહેતો હતો ?

થોડી વારે બન્ને મિત્રો ઘર બહાર નીકળ્યા. બુઢ્ઢો નોકર સામો જ મળ્યો. મનહરે તેને પૂછ્યું : -

'અલ્યા, ઘરમાં કોણ છે?'

'હું અને મારા સાહેબ.'

'કોઈ બૈરી છે ને?'

'ના ભાઈ ! હું રાતદહાડો અહીંનો અહીં રહું છું, પણ કોઈ બૈરું દીઠામાં નથી.'

'વખત બેવખત કોઈ સ્ત્રી આવે છે?'

'ના બાપા, બૈરીનું નામ કે નિશાન કશું યે નથી. ભાઈને તમે સમજાવો ને થાય તો ઠીક.'

'ત્યારે સુરેન્દ્રે શું કહ્યું?' બન્ને મિત્રો પરસ્પરને પૂછતાં ત્યાંથી ચાલી નીકળ્યા.

નોકર ઘરમાં આવ્યો. તેણે ખૂણેખૂણો જોઈ નાખ્યો. ગોદડાંના વિટા અને કબાટનો પાછલો ભાગ તપાસ્યાં; પલંગની નીચે અને રસોડાની અંદર તે જોઈ વળ્યો. ત્યાં કોઈ જ ન હતું !

ઘર કાંઈ મોટું નહોતું. આગલો ખંડ, સૂવાની ઓરડી અને એક રસોડું તથા છેક પાછળ અગાસી, એટલો ભાગ સુરેન્દ્રને કબજે હતો. એ તપાસતાં કાંઈ વાર લાગે એમ ન હતું. સુરેન્દ્ર સિવાય કોઈ તેને દેખાયું નહિ. તે પણ એક છબી સામે નજર રાખી બેસી રહ્યો હતો. તેને ખબર નહોતી કે તેને વૃદ્ધ નોકર ઘરમાં કોઈ અજાણ સ્ત્રીને ખાળી રહ્યો છે !

જરા રહી ફરી નોકરે સુરેન્દ્રની સૂવાની ઓરડીમાં ડોકિયું કર્યું. સુરેન્દ્ર જેમનો તેમ બેઠો હતો. ફક્ત તે કાંઈ બોલતા હોય એમ