પૃષ્ઠ:Pankaj.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂર્તિપૂજા : પ૧
 

પત્ની છબીમાં દિવસે દિવસે વધારે જીવંત બનતી જતી હતી. તેણે આગલા ખંડમાં બેઠેલ મિત્રોને જોયા પણ નહિ અને એકદમ સૂવાની ઓરડીમાં 'હું આવ્યો છું, હો!' કહી દોડ્યો.

બન્ને મિત્રો આ ઘેલછા દેખી જરા હસ્યા, પરંતુ તેમનું હાસ્ય ક્ષણિક હતું. તેઓ કાંઈ પણ બોલે તે પહેલાં અંદર મોટો ધબાકો થયો. બન્ને ઊભા થઈ એકદમ અંદર દોડ્યા. સુરેન્દ્ર બેભાન સ્થિતિમાં જમીન ઉપર પડ્યો હતો બહુ પ્રયત્ને તે શુદ્ધિમાં આવ્યો. તેણે છબીવાળી ખાલી જગ્યાએ દ્રષ્ટિ ફેરવી ધીમે અવાજે પૂછ્યું :

'એ ક્યાં ગઈ !'

'કોણ?'

‘રમા.'

'રમાભાભી તો ગુજરી ગયાં છે તે તું ક્યાં નથી જાણતો?'

સુરેન્દ્રની આંખ પહોળી થઈ. ફરી તેણે છબીવાળી જગાએ આંખ ફેરવી. સ્થળ ખાલી હતું. ખરે તેની પત્ની આજે મૃત:પ્રાય બની ગઈ. તેણે આંખ મીંચી માથું જમીન ઉપર ઢાળી દીધું.

ભાનુ ચીસ પાડી ઊઠ્યો : 'મનહર, જા, જા. દોડ, ડોકટરને બોલાવ, સુરેન્દ્રની નાડી તૂટે છે.'

મનહર ડૉક્ટરને બોલાવવા દોડ્યો. નોકર પેલી છબી પાછી લેવા દોડ્યો.

જીવન એટલે શું ? પંચેન્દ્રિય જે અનુભવે તે જ જીવન? કે કલ્પના અનુભવે તે જીવન ? ખરું શું?