પૃષ્ઠ:Pankaj.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ : પંકજ
 

એવી ઊજળી જાતમાં જન્મ્યા છતાં મેં ગુનાની શરૂઆત મોડી – બહુ મોડી કરી હતી. હું ગરીબ હતો, પરંતુ મારી પ્રામાણિક વૃત્તિમાંથી હું કદી સ્ખલિત નહોતો થયો. ગરીબીને લીધે હું ઝાઝું ભણી શક્યો નહિ; મેટ્રિકમાંથી તો મારે ઊઠી જવું પડેલું. પરંતુ મારા સારા કે ખોટા નસીબે મને એક શેઠને ત્યાં ગુમાસ્તીનું કામ મળી ગયું. વીસ રૂપિયાનો માસિક પગાર મને મળ્યો એટલે મારી ખુશાલીનો પાર રહ્યો નહિ. સાહેબ, ગરીબ બહુ થોડેથી રીઝે છે !

હું અત્યારે દેખાઉં છું તેવો તે વખતે નહોતો. અત્યારે જંગલનો ભીલ, ગામડાંમાં વસતો રોંચો અને હું એ ત્રણેમાં આપને કશો ફેર જણાશે નહિ. પરંતુ તે વખતે મારી ચામડી સહેજ ગોરી અને સુંવાળી હતી; મારું મુખ અત્યારના જેવું કદરૂપું નહોતું. મારી ફાટી આંખમાં આપને અત્યારે દેખાતી ઘેલછા કે બહાવરાપણું તે વખતે નહોતાં. આપને એ ખરું નહિ લાગે તો ય હું કહું છું કે મને ઘણાં માણસો રૂપાળો કહેતાં.

હશે. રૂપની વાત બાજુએ મૂકીએ.

ગુમાસ્તા તરીકે મારું કામ ચોપડા અને કાગળ પત્રો લખવાનું હતું. થોડા જ વખતમાં મારું કામ મુનીમ અને શેઠ બનેને ગમ્યું હોય એમ લાગ્યું, જોકે મારે મોઢે તેમણે એવું કદી કહ્યું નથી. પરંતુ મારા સારા કામની કદર તરીકે તેમણે મને બીજું વધારે કામ સોંપ્યું. એટલું જ નહિ, શેઠના ઘરનું કેટલુંક ખાનગી કામ કરવાનું પણ મારે માથે પડ્યું.

કામથી હું કદી કંટાળ્યો નથી. શેઠની કૃપાના ચિહ્ન તરીકે મેં વધારાના કામ આવકારી લીધાં. જે કામ સોંપાય તે હું ગમે તેમ કષ્ટ વેઠીને પણ સારી રીતે કરતો.

શેઠને રીઝવવાનું કામ જેટલું સહેલું છે તેટલું શેઠાણીને રીઝવવાનું કામ સહેલું નથી, હો ! ખાનગી કામના મોટાભાગની વ્યવસ્થા શેઠાણીના હાથમાં હતી. શેઠાણી બહુ જબરદસ્ત હતાં. શેઠ અને