પૃષ્ઠ:Pankaj.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૫૫
 

શેઠાણી સાથે બેઠા હોય ત્યારે શેઠ આપણને ઝાંખા પડી ગયેલા લાગે. શેઠાણી બહુ કપરાં હતાં. આખું ઘર તેમનાથી થરથરતું. તેમનાથી શેઠને પણ મેં થરથરતા જોયેલા. તેમની નજર ચારે કોર ફરતી. તેમનો અવાજ બંગલાને ખૂણેખૂણે ગાજી રહે. ખાનગી કામ માથે પડતાં મારે એ ઉગ્ર સ્ત્રીશક્તિની ઝપટમાં આવવું પડ્યું.

મારું નામ તે વખતે કુંદનલાલ હતું; આજ મને કુંદનિયો, કુનિયો, કુંદો એમ ગમે તે નામે બોલાવાય છે એ જુદી વાત છે. મારી ફોઈએ શા માટે એ નામ પસંદ કર્યું તે હું સમજી શક્યો નથી. નામ પ્રમાણેનો ગુણ મેં કદી કેળવ્યો નથી.

પહેલું જ ખાનગી કામ સોંપતાં શેઠાણીએ મોટે સાદે ફૂલેલી ગરદન વધારે ફૂલાવી. આંખો કાઢી મને કહ્યું :

'જો કુંદન, મારી પાસે કશી ગરબડ નહિ ચાલે. હું કહું તેમ થવું જ જોઈએ; નહિ તો તારે ઘરે બેસવું પડશે.'

શેઠ સિવાય બીજાં બધાંયને શેઠાણી તુંકારીને બોલાવતાં હતાં. મને ભય લાગ્યો. શેઠાણી પાસે કામ કરનાર ભલભલા હોશિયાર માણસો ઘેર બેસી ગયા હતા. ધ્રુજતાં ધુજતાં મેં જવાબ આપ્યો :

'બાઈ સાહેબ, આપને કહેવું પડે એમ નહિ રાખું.'

મેં શેઠાણીને આપેલું વચન બરાબર પાળ્યું. સોની, સાળવી, ધોબી, ઝવેરી, કાપડિયો, ચુડગર એમ જાત જાત અને ભાત ભાતના કારીગર તથા દુકાનદારની સાથે મારે કંઈ કામ હોય જ. ઘણી વખત રાતના બાર વાગી જાય તો પણ મારા ધક્કા પૂરા થયા ન હોય. દિવસના દફતરનું કામ તો મારે કરવાનું હતું જ. મેં કામના ભારણને ગણકાર્યું નહિ. શેઠ અને શેઠાણી બન્ને રીઝે એવું કામ કરવામાં મેં મારી ફરજ બજાવાતી જોઈ; એટલું જ નહિ, પણ ભાવિ ચડતીનાં ચિહ્નો પણ જોયાં - જોયાં નહિ, કલ્પ્યાં.

શેઠાણીએ મને ઘેર બેસાડ્યો નહિ એટલા ઉપરથી હું કહી શકું કે શેઠાણીને મારું કામ ગમ્યું હોવું જોઈએ. અલબત્ત, વચ્ચે