પૃષ્ઠ:Pankaj.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૫૭
 

વિચાર આવે છે ત્યારે મારું લોહી અત્યારે પણ ઊછળી આવે છે. પરંતુ તે વખતે મને કાંઈ લાગેલું નહિ હોય. ઊલટું મેં તો આનંદની લાગણી અનુભવી. મારા સરખા ધનરહિત મનુષ્યનું કુટુંબ શેઠશેઠાણીની મહેરબાની વગર આવા સુંદર બંગલાની જોડાજોડ રહી બાગ બગીચાનો લહાવો લેવાની કયે જન્મ તક મેળવી શકે એમ હતું ? સ્વચ્છ હવાના લાભ સમજી શકું એટલો હું નવા જમાનાનો માણસ હતો. બૈરાંછોકરાને સ્વચ્છ હવા અને ખુલ્લી જગા મળશે એ વિચારે મેં જબરદસ્ત શેઠાણીનો પડોશ આનંદથી – સાભાર સ્વીકાર્યો.

હું બૈરાંછોકરાંવાળો હતો એ બહુવચનથી ઉભરાતા વાક્યનો અર્થ એટલો જ કે મારે એક જ પત્ની હતી અને એક જ છોકરી હતી. આપણા હિંદીઓને રોજગાર ન મળે પણ પત્ની મળે એવી સ્થિતિ હોય છે. હું ભણતો ત્યારથી જ મારાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. મારી પત્ની પણ મારી માફક ગરીબ કુટુંબમાંથી આવી હતી. ભારે ખર્ચ કે લેવડદેવડ કર્યા વગર મારાં લગ્ન થઈ ગયાં હતાં. મારી પત્ની થોડું ગુજરાતી ભણી હતી એટલે મને ભણેલી પત્ની મળ્યાનો ગર્વ પણ હતો.

એ પત્ની માત્ર ભણેલી હતી એટલું જ નહિ; તે બહુ શાંત, કહ્યાગરી, મહેનતુ અને સુશીલ હતી. તેનો દેખાવ પણ આકર્ષક હતો. મને તો તે બહુ ગમતી. તેણે મારી નિર્ધન સ્થિતિન્ કદી અસંતોષ બતાવ્યો નહોતો. હું ઘણી વખત મારાં નસીબને ગાળો દેતો. મારી પત્નીને મારે ક્યાં ક્યાં સુખ તથા આનંદ આપવો જોઈએ તેની યાદ કરી. તેમાંથી એક પણ સુખ કે આનંદ પૂરાં ન આપી શક્યા બદલ હું શોક કરતો. પરંતુ મારી પત્ની સામું મને આશ્વાસન આપતી અને કહેતી :

“બળ્યું શું આવો અસંતોષ ! મારે તો કાંઈ ન જોઈએ : મારું કંકુ કપાળે અખંડ રહે એટલે બધું સુખ અને સાહ્યબી આવી ગયાં.

મરવા ઈચ્છતા માનવીનાં યે આંસુ જીવતાં રહે છે. પત્નીને