પૃષ્ઠ:Pankaj.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૫૯
 

શેઠાણી તેમના રિવાજ મુજબ ધસી આવ્યાં. અને મોટેથી બોલ્યાં :

'આ તો એક ભારે દુઃખ થયું !'

શેઠાણીનાં અગણિત દુઃખોમાં એકાદ વધ્યું તેની શેઠ ઉપર ઝાઝી અસર થઈ નહિ. છતાં કાળજી બતાવતાં તેમણે પૂછ્યું :

'કેમ એવું શું છે?'

'તે તમે જોઈ શકતા નથી? આપણી પ્રિયબાળા હલકાં છોકરાં ભેગી રમે છે. કેટલી ખરાબ અસર થાય?'

'એવાં કોણ હલકાં છોકરાં અહીં છે? નોકરોનાં બાળકો તો આ બાજુ આવતાં જ નથી – તેં ના કરી છે ત્યારથી.'


'આ કુંદન તમારો નોકર નહિ, ખરું ?' શેઠાણીએ મને બેઠેલા જોયો નહિ હોય એમ મેં ધાર્યું – જો કે મારા સરવાળામાં એ વાક્યે ભૂલ પાડી.

'તેનું શું છે અત્યારે?' શેઠના અવાજમાં સંકોચ હતો. વાત લાંબી ન વધારવાનું સૂચન હતું. તેઓ તો જાણતા જ હતા કે હું વાતચીત સંભળાય એટલો પાસે બેઠો હતો.

'તેનું શું છે એમ પૂછો છો? જોતા નથી રાતદહાડો એની છોકરી જોડે પ્રિયબાળા રખડ્યા કરે છે તે ? એમ તો એ તદ્દન બગડી જશે.'

'ઠીક છે. જોઈશું.' કહી શેઠ ઉતાવળા ખંડની બહાર ચાલ્યા ગયા. શેઠાણી તેમની પાછળ ધસ્યાં. હું એકલો પડ્યો.

હું જરૂર નોકરવર્ગમાં હતો. હું શેઠથી પૈસેટકે હલકો હતો; એટલે પ્રતિષ્ઠામાં યે હલકો હતો એ કબૂલ કરું છું. પરંતુ મારી હલકી સ્થિતિ મારી પુત્રીને શેઠની પુત્રી જોડે રમવા માટે અપાત્ર બનાવે એ માનવાની મારી જરા પણ તૈયારી નહોતી. હું શેઠાણીના બોલથી દાઝી ઊઠ્યો. શું એક પ્રામાણિક નોકર અપ્રામાણિક શેઠથી ઊતરતો લેખાય? તેનાં છોકરાં પણ શેઠનાં છોકરાં કરતાં હલકાં મનાય ? એ કયો ન્યાય ? કયાંનો ન્યાય ?