પૃષ્ઠ:Pankaj.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦ : પંકજ
 


અપમાન સહન કરવા ટેવાયેલા ગરીબોને અપમાન વિસારે પાડવાં પડે છે. એ વાતચીત મેં સાંભળી જ ન હોય એવો દેખાવ કરી હું આખો દિવસ કામે લાગ્યો. પરંતુ હું ઘેર આવ્યો અને એ વાત તાજી થઈ, મારી દીકરી એક બાજુએ રડતી હતી. સદા યા શાન્ત દેખાતી મારી પત્ની ઉગ્ર મુખ કરી બેઠી હતી.

'શું થયું ?' મેં પૂછ્યું.

'કાંઈ નહિ.' પત્નીએ જવાબ આપ્યો.

'સરિતા રડે છે ને !'

'બા મારા પગ કાપી નાખવાનું કહે છે !' રડતે રડતે સરિતાએ મા વિરુદ્ધ ફરિયાદ કરી. વાતચીતમાં છેવટે જણાયું કે શેઠાણીએ મારી પત્નીને બોલાવી. પ્રિયબાળા સાથે રમી સરિતા તેનો દરજ્જો અને તેનું માનસ ખરાબ કરતી હતી તે માટે ધમકાવી, શેઠ નોકરની મર્યાદા બાળકો સુધી લઈ જવાની તેને આજ્ઞા આપી હતી. ગરીબ અને તેમાં સ્ત્રી ! એ કોની ઉપર પોતાનો રોષ કાઢે ? તેણે કોટડીમાં આવી સરિતાને ધમકાવી કહ્યું :

'હવે જો બંગલામાં પગ મૂક્યો છે તે તારા પગ કાપી નાખીશ.'

‘બાળકીના પગ કાપી નાખવા કરતાં શેઠાણીનો બંગલો બળી નાખવો એ શું વધારે વાજબી નહોતું ? પરંતુ હું કાંઈ બેલ્યો નહિ. હસીને બાળકીને મારી પાસે લીધી. પરંતુ મને અને મારી પત્નીને એ અપમાનની યાદમાં આખી રાત ઊંઘ આવી નહિ.

બેત્રણ દિવસ પ્રિયબાળા અને સરિતા સાથે જોવામાં ન આવ્યાં. પરંતુ એક દિવસ સંધ્યાકાળે બાગની ઘટા પાછળ બન્ને જણ રમતાં હતાં એવું મેં શેઠાણીની બૂમ ઉપરથી જાણ્યું. હું તત્કાળ તે બાજુએ દોડી ગયો. શેઠાણી સરિતાને ધમકાવવાનું મૂકી મને ધમકાવવા માંડ્યાં :

“કુંદન ! તમને લોકોને કેટલું કહેવું ? બાગમાં જગા ઓછી છે કે સરિતાએ પ્રિયબાળાની પાછળ પાછળ જ જવું જોઈએ? આ ટ્રાઈસીકલ એણે ભાંગી નાખી. છોકરીને રીતમાં રાખતાં શું થાય છે?'