પૃષ્ઠ:Pankaj.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪ : પંકજ
 

ખરીદીમાં કરેલો ઉપયોગ મને જરા ય સાલ્યો નહિ; ઊલટું જે પૈસા મારી બુદ્ધિથી બચ્યા હતા તેમાં મને મળવો જોઈતો ફાળો હુ લેતો હતો એમ મને લાગ્યું. પરંતુ મારી પત્નીએ આ ખર્ચ કરી શેઠાણીના બોલનો બદલો વાળવાની મને મના કરી. એ એમ જ જાણતી હતી કે મારા ત્રીસ રૂપિયામાંથી આ બધો ખર્ચ હું કરતો હતો !

મને હવે શેઠના પૈસામાં મારા પૈસા દેખાવા લાગ્યા. દલાલી કમિશન, ભાવફેર વગેરેમાં મને પગાર કરતાં વધારે સારી રકમ મળવા લાગી. કોઈને કશી ખબર પડી નહિ; ઊલટું શેઠ સાથે સંબંધમાં આવતા વ્યાપારીઓને વધારે અનુકૂળતા થઈ.

વળી એક દિવસ પ્રિયબાળા હીરાની બંગડીઓ પહેરી મારી ઓરડીમાં રમવા આવી. હું ત્યાં નહોતો. પરંતુ રાત્રે મને ખબર પડી. મારી પત્નીએ સરિતાને માર માર્યો હતો. સરિતાને પ્રિયબાળા સરખી હીરાની બંગડીઓ જોઈતી હતી. ગરીબ માનવીનાં બાળકને સારુ પહેરવાની ઈચ્છા થાય ત્યારે માર મળે એ ક્યાંનો ન્યાય ? પ્રિયબાળા અને સરિતા બન્ને વચ્ચે બંગડીઓ વહેંચાય એમ વારાફરતી પહેરાય એમ હતી. પ્રિયબાળા તેની ના પાડે એમ ન હતું. માત્ર તેનાં માબાપની માલિકીની ભાવના તેમ કરવા દે એમ ન હતું. અર્થશાસ્ત્ર કાનું ખરું ? ગરીબનું ? બાળકનું ? કે ધનિકનું ? વહેંચીને વાપરવું એ ઠીક કે મિલકતોની વપરાશ માટે ઈજારાઓ ઊભા કરવા ?

મેં મારી પત્નીને કહ્યું :

'પણ એમાં મારે છે શાની ? છોકરાંને મન ન થાય?'

'તમે શું બોલો છે? છોકરીને બગાડવાની છે !'

હું કાંઈ જ બોલ્યો નહિ. મને મારી ગરીબી સાલતી ન હતી, એ ગરીબી હું બહુ ખુશીથી ચલાવી લેત, અત્યાર સુધી ચલાવી જ લેતો હતો. પરંતુ એ ગરીબી જ્યારે મારાં બાળકની આંખમાં આંસુ આણતી ત્યારે તે મને અસહ્ય થઈ પડતી. બાળકને માટે ગરીબી