પૃષ્ઠ:Pankaj.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ : પંકજ
 

દેવદર્શને ગયેલી મારી પુત્રીને શેઠાણીના એક બાતમીદારે જોઈ લીધી. સકંજામાં ન સપડાતા ચોરને પકડવાનું માન મેળવવા તેણે શેઠાણીને એ સમાચાર આપ્યા. શેઠાણીએ તિજોરી ઊધડાવી ખાતરી કરી. બંગડીઓ ન હતી. પોલીસમાં ખબર અપાઈ. પોલીસ આવતાં બરોબર બંગડીઓ રજૂ થઈ. ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ થઈ હું આવતાં બરાબર પકડાયો. મેં બહુ દલીલ કરી કે હું વિશ્વાસપાત્ર તિજોરી સાચવનાર નોકર હતો. અવ્યવસ્થિત મુકાયલી બંગડીઓ ઠીક મૂકવા ખાતર કાઢેલી ખિસ્સામાં જ રહી ગઈ. ઉતાવળ હોવાથી પરગામ જતાં તે મૂકવી રહી ગઈ. અજાણતાં–ભૂલથી મારી પત્નીએ છોકરીને હોંશ ખાતર બંગડીઓ પહેરાવી હતી. ચોરવાનો જરા પણ ઉદ્દેશ ન હતો.

અને ખરે, મારે બંગડીઓ ચોરવાને તો વિચાર હતો જ નહિ. કૂંચી મારી પાસે હતી એટલે છોકરીનું મન માને એટલે બંગડીઓ પાછી મૂકવાને મારો નિશ્ચય જ હતો એટલી વાત ખરી હતી.

પરંતુ મારી ખરી ખોટી હકીકત કોઈએ માની નહિ. મને પોલીસની અટકમાં લીધો. તે જ રાતે મારી પત્નીએ ઝેર ખાઈ આપઘાત કર્યો. કચેરીમાં કામ ચાલ્યું. મેં ખરી હકીકત જણાવી. બીજો કશો બચાવ કર્યો નહિ. બચાવ કરવાની મારામાં શક્તિ જ નહોતી. ન્યાયાધીશે ન્યાય આપ્યો અને મેં બે વરસ કેદમાં કાઢ્યાં.

સાહેબ, મારી વાતથી આપને કંટાળો આવ્યો? આવે જ. તેથી જ મેં માત્ર મુદ્દાની હકીકત કહી છે. પરંતુ મારી વાતમાં આપને શા માટે રસ પડે ?

આ ગુનાને અને મારા ચાલુ કામને શું સંબંધ એમ પૂછો છો? એ સમજાવવા માટે જ મેં મારો પૂર્વ ઈતિહાસ કહ્યો. હું એ સબંધ આપને સમજાવું ?

કેદમાં હું બળઝળી રહ્યો હતો. કેદમાં મારી મૃત પત્ની અને મારી જીવંત પુત્રી મારી નજર આગળ જાગતાં અને ઊંઘતાં ખડાં