પૃષ્ઠ:Pankaj.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૬૭
 

રહેતાં. હું આખી દુનિયાનો–દુનિયાના ધનિકોનો દુશ્મન બની ગયો હતો. શેઠાણીની પુત્રીને હીરાની બંગડીઓ ! મારી પુત્રીને બંગડીની ઈચ્છાનો અધિકાર પણ નહિ ? શેઠની બુદ્ધિથી તેમને ધન મળ્યું એમ કોઈ કહેશે પરંતુ એ બુદ્ધિ પોતાની આસપાસ ધનનો ઢગલો ઊભું કરવા જ વાપરવાની ? એ ઢગલા ઉપર શેઠશેઠાણી ગંજીનાં કૂતરાં સરખાં ઘૂરકતાં ઊભાં રહે અને તેને આખો સમાજ સહાય કરે — સત્તા સહાય કરે? હું પણ મારી બુદ્ધિ વાપરી રાજપાટ, ધન મિલકત ગમે તે રસ્તે ભેગાં કરું તો હું કોનો ગુનેગાર ?

કેદમાંથી છૂટ્યો અને પુત્રી તરફ દોડવાની વૃત્તિ થઈ. પરંતુ પુત્રી પાસે શું મારે ખાલી હાથે જવું ? મેં રમકડાં દુકાનેથી ચોર્યાં અને કાપડની દુકાનેથી થોડું સારું કાપડ ચોર્યું. બહુ સફાઈથી ચોર્યા છતાં હું પકડાયો. ફરી એક વર્ષ કેદમાં ગયો.

આ વખતે મારે હૃદયાગ્નિ મારા હૃદયને બાળી રહ્યો હતો. મારામાં ઉત્સાહ, વૈર કે શક્તિ રહ્યાં જ નહોતાં, છતાં એક ધ્રુવ તરફ જોવા જેટલી એ હૃદય-માછલી જીવતી હતી. મારી પુત્રી એ મારો ધ્રુવ. કેદમાંથી બહાર નીકળતાં જ મારા પગ પુત્રી તરફ દોડવા ઉત્સુક બન્યા.

પણ મને ભાડું કોણ આપે ? ભાડા વગર ગાડીમાં બેસવાનું જોખમ કેટલું? ફરી પકડાઉં તો પુત્રીને દીઠા વગર પાછું જવું પડે તો?

સ્ટેશન પાસે એક ટોળું હતું અને આ ફરિયાદ કરનાર ગૃહસ્થ ટોળામાં કંઈ જોવા માટે ઊભા હતા. તેમનું ખિસ્સું મેં દીઠું અને મારું મન તે તરફ દોડ્યું. ટોળામાં ઘૂસવાનો દેખાવ કરી મેં તેમના ખિસ્સામાંથી આ પાકીટ કાઢી લીધું. આ ભાઈને તો કશી ખબર ન હતી. પરંતુ ટોળા પાછળ એક માણસ ઊભો હતો તેણે તે જોયું અને તેણે મને પકડ્યો. આ ભાઈને ખબર આપી તેમણે મને પોલીસને સ્વાધીન કર્યો. એટલે હું આપની પાસે આવ્યો.

સાહેબ, ચોરી સિવાય હવે મને પૈસા મળે એમ નથી. પૈસા વગર મારું પૂરું થાય એમ પણ નથી. પૂરું કરવાની વાત બાજુએ