પૃષ્ઠ:Pankaj.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : પંકજ
 

રાખો. હું તો મરવાને આતુર છું. માત્ર એક ઈચ્છી રહી છે. મારી પુત્રીનું મુખ મરતાં પહેલાં જોઈને હું સુખેથી મરીશ. પછી પોષણની પણ મને ઈચ્છા રહેવાની નથી.

પરંતુ એ પુત્રી ક્યાં હશે ? કોઈ સગું એને પોતાને ઘેર ઘસડી ગયું હતું એટલી મહામહેનતે મને ખબર પડી હતી. પરંતુ ત્યાં તપાસ કરવાને માટે ભાડું જોઈએ, ખાવાનું જોઈએ એ તો હું કહેતો જ નથી. છોકરીના હાથમાં મૂકવા કંઈ ચીજ જોઈએ એ પણ હું કહેતો નથી. ગરીબને છોકરીનું મન તાપવાનો આ જગતમાં અધિકાર નથી. પરંતુ તેને જોવાનો અધિકાર પણ જગત લૂંટી લેશે?

આ ફરિયાદ કરનાર ભાઈનું પાકીટ એટલા જ માટે મેં ચોર્યું. એને હું ચોરી માનતો નથી. મારી પુત્રીનું મુખ મરતાં પહેલાં નિહાળવાની સગવડ મને હોવી જ જોઈએ. એ સગવડ સરકાર આપે ! સરકાર ન આપે તો સમાજ આપે. અને એ કોઈ ન આપે તો હું મારી મેળે સગવડ મેળવી લઉં !

આપને એ કથન વાસ્તવિક નહિ લાગે. આપ મને ફરી કેદમાં મોકલવાને મુખત્યાર છો. પરંતુ તે પહેલાં એક મારા મનને સંતોષતું ન્યાયનું કામ નહિ કરો ? મારી પુત્રી સાથે મારો મેળાપ નહીં કરાવી આપો?

એ જ પુત્રીનું મુખ જોવા મેં આ બધું સાહસ કર્યું. આપ એને ગુનો કહેશો એ હું જાણું છું. પરંતુ આપ મને એટલું કહો. ગરીબોનાં હૃદયને ચીરતા, તેમનાં ચિરાયેલાં હૃદયમાં પોતાની ઘમંડ ભરી દીપ્તિથી ઘડીઘડી મીઠું ભરતા ધનિકોની એકાદ-અલ્પ મોજ –મોજ નહિ–જરૂરિયાત પણ–ગરીબને નહિ પરંતુ ગરીબનાં કુમળાં બાળકોને પણ મેળવવાનું ગુના વગર ક્યું સાધન છે ?

આપને લાગે છે કે મેં ખરેખર ગુનો કર્યો છે?