પૃષ્ઠ:Pankaj.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ : પંકજ
 

ખૂટે એવી ગડમથલ ઉકેલવાનું મહાભારત કામ જ્યરામ મિસ્ત્રી જ કરી શકે. તેમનું આ કામ એટલું ત્વરિત અને સંતોષકારક હતું કે મેમસાહેબો અને બાઈસાહેબોને જ્યરામ મિસ્ત્રી વગર ચાલતું જ નહિ.

જયરામ મિસ્ત્રીનું માન એક ઇજનેરી ખાતામાં જ હતું એમ માનવાની ભૂલ કરવી ન જોઈએ. મુલ્કી અને પોલીસ ખાતાની સત્તા ઈશ્વરની સત્તા સરખી સર્વવ્યાપક હોય છે, એની ખબર જયરામ મિસ્ત્રીને ન હોય એમ બને જ નહિં; એટલે કમિશ્નર, કલેક્ટર, ડીપોટી, મામલતદાર એ બધાંયને ત્યાં જયરામની અવરજવર તો ખરી જ. જાહેર ફાળામાં, અર્ધ જાહેર મિજબાનીઓમાં, ગાડીમોટરની સગવડમાં જયરામ મિસ્ત્રી અડધે શુકને અનુકૂળ થઈ જતા. એટલું જ નહિ, શાળા ખાતાના અમલદારો સાથે પણ તેઓ સારાસારી રાખતા હતા. બાળકોને પતાસાં કે ઇનામો વહેંચવાનાં હોય, અને મુખ્ય શિક્ષકને બીજું કોઈ દાદ દેતું ન હોય, ત્યારે જયરામ મિસ્ત્રી ખુશીથી મુખ્ય શિક્ષકનું માન રાખતા.

જયરામ મિસ્ત્રી લાખોની ઊથલપાથલ કરતા, અને હજારો માણસોને રોજી આપતા. તેમની ગણના એક ઉચ્ચ કોટીના ગૃહસ્થમાં થતી પરંતુ તેમની સાદાઈ એટલી ભારે હતી તે કે ઘણાને મતે ગ્રામ્યતા તરફ ઢળતી લાગતી. તેમનાં કપડાં સફાઈદાર નહોતાં. માથે એવી વિચિત્ર રીતનો સાફો વીંટતા કે તેમની ગ્રામ્યતામાં ઘણો વધારો થાય. સાહેબોના છોકરાંને તો તેઓ હસવાનું સાધન પૂરું પાડતા.

તેમની ઉદારતા સાહેબના બંગલાથી પણ આગળ ફેલાઈ કારકૂન પટાવાળાઓનાં ખિસ્સાં સુધી પહોંચતી. અને આમ છતાં તેમની છાપ એક બહુ જ પ્રામાણિક કોંટ્રાક્ટર તરીકેની પડી હતી. બધાંયને ઉપયોગી થઈ પડવા છતાં તેમણે કદી ગેરવ્યાજબી કે ગેરકાયદે કોઈનો પણ લાભ લીધો હોય એમ બન્યું નહોતું. તેમના કામમાં કદી ખામી આવતી ન હતી. તેમને હાથે થયેલા બાંધકામ મજબૂતીના નમૂનારૂપ હતાં. તેમનો સિદ્ધાંત હતો કે : “કામ બગાડીને પરમેશરનો ગુનેગાર