પૃષ્ઠ:Pankaj.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા : ૭૧
 

નહિ થાઉં.

એક બહુ લોક પ્રિય કલેકટરને શહેરની સંકડાશનો ભારે કંટાળો હતો. ગરીબ શહેરનિવાસીઓના ફેફસાંને વિશુદ્ધ હવા મળે, એ માટે તેમને ઘણી કાળજી હતી. પરંતુ લશ્કરની સુગમતા સાચવતી રેલવે, ગોરાઓનાં નિવાસસ્થાન – કેમ્પ, સનદી નોકરો માટેના બંગલા અને તેમને ફરવા માટેના પાકા રસ્તામાં જ રોકાઈ રહેલી સરકાર પાસે શહેર કે ગામડાં સુધારવા માટે પૈસા બચતા જ ન હોવાથી સાર્વજનિક કામો શ્રીમંતો પાસેથી કરાવી લેવાનું વલણ સરકારી નોકરો અખત્યાર કરે છે તે ખાસ વખાણને પાત્ર છે. આ લોકપ્રિય કલેકટર લાંબી નોકરીને પરિણામે લોકોપયોગી કામો અને લોકોપયોગી શ્રીમંતોને શોધી કાઢવામાં પાવરધા બનેલા હતા.

એક ખુશનુમા પ્રભાતે બગીચામાં બેસી સુબાસાહેબ ચાનાસ્તો લેતે લેતે શહેરસુધારણાના ગંભીર વિચારમાં પડ્યા હતા. શ્રીમંતોની યાદી તેમને જીહ્‍વાગ્રે હતી. ક્યો શ્રીમંત હજી સુધી સરકારી અમલદારોની જાળમાં ફસાયો નહોતો, તેનો તેમણે વિચાર કરવા માંડ્યો. એવામાં એક નોકરે આવી અદબથી એક કાર્ડ મૂકેલી રકાબી સાહેબ પાસે ધરી. સાહેબે દબદબાથી આંખ ફેરવી કાર્ડ જોયું સાહેબને ત્યાં મુલાકાતે આવનાર ગૃહસ્થોમાંથી ઘણા તાબડતોબ પાછા કાઢવા જેવા હોય છે; કેટલાક કલાક બેસાડી રાખી મુલાકાત આપવા સરખા હોય છે; અને કવચિત્ કોઈ ભાગ્યશાળી જીવ તત્કાળ મુલાકાતનું માન પામે એમ હોય છે. તેમાં યે સાહેબ ચા પીતા હોય તે દરમિયાન બોલાવાય એવા સિદ્ધિશાળી તો 'સો લાખનમેં એક' હોઈ શકે.

સાહેબના મુખ ઉપર ચાંચલ્ય દેખાયું અને તેઓ બોલી ઊઠ્યા:

'બોલાવો.'

નોકર ચમક્યો. હુકમનો અર્થ તેને સમજાયો નહિ તેણે કહ્યું :