પૃષ્ઠ:Pankaj.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ : પંકજ
 


'હજૂર, અંદર બેસાડ્યો છે.'

'અહીં બોલાવ.' નોકરો જે ઢબની તોછડાઈને લાયક હોય છે તે ઢબથી સાહેબે હુકમ કર્યો.

નોકરને આશ્ચર્ય લાગ્યું. સાહેબે ચા પીતી વખતે આ પહેલાં જ દેશીને પોતાની હાજરીમાં બોલાવ્યો હતો. નોકર તેને લઈ આવ્યો.

'આવો, મિસ્ત્રી !' કલેક્ટર સાહેબે આવકાર આપ્યો.

જયરામ મિસ્ત્રીએ નીચા વળી સલામ કરી. ઊભા રહીને કહ્યું :

'કંઈ નહિ, સાહેબ ! મારે ઉતાવળ નથી. હું બહાર બેઠો છું.

'નહિ, નહિ, મિસ્ત્રી. બેસો આ ખુરશી ઉપર. હું તમને જ યાદ કરતો હતો.

મિસ્ત્રી ઘાસ ઉપર બેસતાં બોલ્યા :

'મારાં ધનભાગ્ય ! સેવક હાજર છે.'

‘મિસ્ત્રી, એમ નહિ. ખુરશી ઉપર બેસો. તમારા જેવા ગૃહસ્થને જેટલું માન અપાય એટલું ઓછું છે. બૉય; મિસ્ત્રીને માટે ચા તૈયાર કર.'

'ના. સાહેબ, હું ચા પીતો જ નથી. મને માફ કરો.' ખરે, મિસ્ત્રી સહુને ચા પાતા, પરંતુ તેમણે કદી ચા પીધી હોય એમ કોઈએ જોયું નથી.

'તમે જરા, આગળ પડતા વિચાર ધરાવતા હોત તો હું તમને ઝડપથી પ્રકાશમાં લાવી શકત.' સાહેબે કહ્યું.

'આપની મહેરબાની જ બસ છે. હું તો અભણ માણસ. આપ આટલો પાસે બોલાવો છો એ શું ઓછું માન છે ?'

'નહિ. મારી ઈચ્છા તો તમને રાવસાહેબ અગર રાવબહાદુર બનાવવાની છે. પણ મિસ્ત્રી, કાંઈ જાહેર કામ કરો.'

'ઇલકાબ તો મારે ન ખપે; પણ સાહેબબહાદુર ફરમાવે તે કામમાં હું ગજા પ્રમાણે ફાળો આપું.'