પૃષ્ઠ:Pankaj.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ : પંકજ
 


'નામની તો મને કાંઈ પરવા નથી. નામને માટે કાંઈ પણ કરવું' તે મને પસંદ નથી. પણ એક બગીચો હોય તો કેટલા લોકોને સ્વચ્છ હવા અને હરવાફરવાનો લાભ મળે?' સાહેબે પોતાના નામને બદલે સાર્વજનિક કામને આગળ ધર્યું. પરંતુ નામની લાલસા વિનાનું એકે સાર્વજનિક કામ હશે ખરું ? '

'નહિ સાહેબ, નામ તો આપનું પહેલું. એ શરત હોય તોજ હું એક બગીચો આપ કહો ત્યારે ઊભો કરું.'

'મારા જ નામનો તમારે આગ્રહ હોય તો બીજી વાત. પરંતુ બગીચાની જરૂર તો શહેરને હોય જ. બાગ તો શહેરનું ફેફસું છે.'

'ફેફસું બન્યું જ જાણો. સાહેબ.'

'તમે જૂના વિચારના છો એમ હવે હું નહિ કહી શકું. વારુ, મિસ્ત્રી ! બગીચા પાછળ કેટલું ખરચશો ?'

'જે થાય તે.'

'તો પણ કાંઈ આંકડો?'

'લાખ...દોઢ...! પછી કાંઈ ?'

કલેક્ટર સાહેબ બેત્રણ ક્ષણ જયરામ સામે જોઈ રહ્યા. તેમને લાગ્યું કે રાવસાહેબી કરતાં ભારે ઈલકાબની પાત્રતાવાળી રકમ આગળ આવતી હતી.

'હું બહુ ખુશ થયો. તમારી ઉદારતા પ્રશંસાપાત્ર છે.' સાહેબ બોલ્યા.

'સાહેબ, બહુ દિવસથી બગીચાની ભાવના ઊપજી હતી. આપ જેવા કદરદાન વગર કોઈને કહેવાતું નહોતું.'

'ઠીક. પણ મિસ્ત્રી, જગા કઈ પસંદ કરીશું ?' ગામમાં તો જગા દેખાતી નથી.'

'આપ જ્યાં કહો. ત્યાં, પણ મને એમ મન ખરું કે ગામની વચમાં થાય તો સારું.'

'હું પણ એમ માનું છું. પરંતુ ગામની વચમાં જગા ક્યાં છે?'