પૃષ્ઠ:Pankaj.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા : ૭૭
 


'પછી તમે આ બગીચાની બાબતમાં કેમ દુરાગ્રહ પકડો છો?'

'સાહેબ ! મારી સાત પેઢીની હવેલી ખોવડાવો છો ને ને મારો દુરાગ્રહ ગણો છો?'

'લોકહિતના કામ માટે સુધરાઈના એક સભ્યે સહેજ ભોગ આપવો જોઈએ.’

પાણીપતના મેદાનને શોભે એવી વ્યૂહરચનાઓ રચી સુધરાઈમાં સભાસદ બનનાર ગૃહસ્થો આખા ગામનાં ઘર તોડી પાડવાની તૈયારી બતાવી શકે છે. માત્ર પોતાનાં કે પોતાનાં સગાંનાં ઘરનું એક નળિયું પણ આઘું પાછું કરવાનું હોય ત્યારે ખૂનખાર જંગ મચાવી મૂકે છે.

'લોકને માટે હું ઘર વગરનો થાઉં ?' શેઠ ખિજાયા. લોકને માટે ઘર વગરના થવાની તૈયારી સિવાય પણ સુધરાઈમાં પ્રવેશ કરવાની છૂટ સુધરાઈ નિયમ આપે છે, પરંતુ એ તૈયારીઓ વગર લોકસેવા થઈ શકે કે કેમ એ પ્રશ્નનું નિરાકરણ હજી નિયમે કર્યું નથી.

સહુને ફાયદો થતો હોય ત્યાં એકનો લાભ ન વિચારાય.

'કાયદો પણ એમ જ કહે છે.' અત્યાર સુધી શાંત બેઠેલા જયરામ મિસ્ત્રી બોલી ઊઠ્યા.

'કાયદો ! અરે રાખો તમારે કાયદો, મિસ્ત્રી ! સાહેબને ખોટું ખોટું ન સમજાવો. તમારે બાગ બનાવવાની હોંશ હોય તો જોઈએ એટલી બીજી જગા દેખાડું.' શેઠે કહ્યું.

'ત્યારે તમારી હવેલી માટે બીજી જમીન હું બતાવું તો?' મિસ્ત્રીએ કહ્યું.

'હું તો મરી જાઉં, પણ મારી હવેલી ખસવા ન દઉં.'

'અરે શેઠ સાહેબ. કોઈ મરતું એ નથી અને મારતું ય નથી. સરકાર ધારશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં હવેલી પડાવી લેશે.' મિસ્ત્રી બોલ્યા. મિસ્ત્રી આટલું લાંબુ અને આટલું કડક બોલે એ નવાઈ ભરેલું હતું. સાહેબને પણ આશ્ચર્ય થયું. શેઠ ગુસ્સાથી થરથરતા બોલી ઉઠ્યા :