પૃષ્ઠ:Pankaj.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા : ૮૧
 

આપેલ સંમતિ ફેરવવા હવે માર્ગ રહ્યો નહોતો. બંગલાનો લાભ જતો કરવાની પણ તેમને મરજી હતી. કારણ કે જયરામ મિસ્ત્રીની જૂની ઓળખાણે તેમને બહુ ઉગ્ર બનાવી દીધા હતા. પરંતુ તેમના મોટી ઉંમરના પુત્રે, મળેલો લાભ જવા દેવાની ભૂલ પિતાને કરવા દીધી નહિ. ન છૂટકે તેઓ હવેલીનો કબજો સરકારને સોંપી નવા બંગલામાં ગયા.

કબજો સોંપાયાની ખબર પડતાં જ જયરામ મિસ્ત્રી કલેક્ટર સાહેબ પાસે પહોંચી ગયા. સાહેબે કહ્યું :

'મિસ્ત્રી! મકાન કબજે આવ્યું. હવે ફુરસદે કામ આગળ વધારો.'

'ફુરસદે ? મને તો ફુરસદ જ છે. આપ હુકમ કરો તે દહાડે હવેલી જમીનદોસ્ત હશે.'

'એકાદ માસની મુદતમાં ઉતારી નાખો.'

'માસ? આજ સોંપો તો કાલે આખી હવેલી ઉતારી નાખું.'

સાહેબ હસ્યા અને બોલ્યા :

'મિસ્ત્રી ! તમને તો બાગની ઘેલછા લાગી દેખાય છે.'

'હા સાહેબ. કરવું ધાર્યું તે કરી જ નાખવું.'

સાહેબે પરવાનગી આપી અને બીજે જ દિવસે સો મજૂરોએ લાંબા સમયનાં સંભારણાં જાળવતી હરિવલ્લભ શેઠની હવેલી ઉપર મારો ચલાવ્યો. છાપરાં, છજાં, બારીઓ, માળ ખોદાઈ ખોદાઈને નીચે પડવા લાગ્યાં; ઈંટોના ઢગલા અને ધૂળના કોટ થવા લાગ્યા. શેઠની પ્રસિદ્ધ હવેલી પર પડતા ઘાવ ઘણાંને ન ગમ્યા.

'અહીં બાગ ન કર્યો હોત તો શું બગડી જવાનું હતું !' લોકોમાંથી કોઈ કોઈ મનુષ્યોએ બડબડાટ કર્યો.

પરંતુ જે રાક્ષસી ઝડપે શેઠની હવેલી લુપ્ત થતી જતી હતી તેમાં લોકોના બડબડાટથી કાંઈ ફેર પડવાનો ન હતો. સાંજ પડતાંમાં તો એ રમણીય હવેલીનો ભૂકો થઈ ગયો.

'સહજ અંધારું થતાં મિસ્ત્રી જયરામ ત્યાં આવી પહોંચ્યા.