પૃષ્ઠ:Pankaj.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુનાં પાયા : ૮૩
 

જીવતાં માણસ સરખો પ્યાર જામે છે. હવેલીની છેલ્લી ઈંટને લાત વાગતી જોઈ હરિવલ્લભે નિસાસો નાખ્યો. મિસ્ત્રીનો કહેલો બોલ સાંભળી તેઓ પાછા ફર્યા, હવેલી તેમની આંખ આગળ રમવા લાગી પરંતુ હવેલીની સાથે સાથે એક નાનકડું ઝૂંપડા સરખું ઘર પણ તેમને ચોંટેલું જ દેખાયું.

એ ઘર તો ઘણા દિવસથી ઊખડી ગયું હતું. જયરામ મિસ્ત્રીએ પોતાના પિતાનું નામ હરિવલ્લભને કહ્યું ન હોત તો તેમને તે ઘર યાદ આવત જ નહિ ! કેવું નઠારું, બેડોળ, બદસૂરત ઘર ! શેઠની હવેલીનો અવતાર એ લજામણા મકાને બગાડી નાખ્યો હતો ! બે પેઢીથી એ સુતારની માલિકીનું ઘર ગણાતું. કોણે એ વસવાયાંની જાતને શેઠની હવેલી પાસે મકાન બાંધવા દીધું હશે.

યુવાન હરિવલ્લભે સુધરાઈની તાજી સ્થપાયેલી સંસ્થામાં આગળ પડતો ભાગ લેવા માંડ્યો હતો. ગ્રામસુધારણામાં હવેલીઓ સાથે એક જ હારમાં ઊભેલી ઝૂંપડીઓ માટે સ્થાન નથી એવી તેની માન્યતા સાથે આખી સુધરાઈ સંમત થઈ, અને રસ્તો પહોળો કરવા માટે, સુશોભિત કરવા માટે, ગંદકી દૂર કરવા માટે, જલદી સળગી જઈ નુકસાન ન થાય એ માટે ગોપાળ મિસ્ત્રીનું નાનકડું -ઝૂંપડા સરખું મકાન શહેરસુધરણાના હિમાયતીઓએ જૂજ જાજ વળતર આપી લઈ લીધું.

ગોપાળ મિસ્ત્રીની પાસે લડવા સારુ પૈસા નહોતા, ભલામણ કરવા સરખી પ્રતિષ્ઠા નહોતી અને ડરાવવા માટે સત્તા નહોતી. અધૂરામાં પૂરું વળી કામ કરતાં તે પાલખ ઉપરથી પડી જઈ આઠ દસ માસથી કામ કરવાને અશક્ત બની ગયો હતો. તેણે શેઠ હરિવલ્લભને કાલાવાલા કર્યા, સુધરાઈના સભાસદો આગળ પાઘડી ઉતારી, મુલકી અમલદારો આગળ આંસુ સાર્યા. પરંતુ તેને બધા ય તરફથી એક જ જવાબ મળતો :

'અમે દિલગીર છીએ. પણ બધાંના લાભ આગળ એકનું નુકસાન