પૃષ્ઠ:Pankaj.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ : પંકજ
 

ગણાય નહિ...કાયદો પણ એમ જ કહે છે.'

ઘરનો કબજો આપતી વખતે તેણે ભારે કલ્પાંત કર્યું. તે જાતે અશક્ત હતો; તેનો દીકરો જયરામ નાનો હતો; જયરામની મા ગુજરી ગઈ હતી; તેનું કોઈ સગુંવહાલું નહોતું ઘર છોડતાં તેને આકાશનું એાઢણું અને પૃથ્વીનું પાથરણું કરવું પડે એમ હતું, પરંતુ એ દલીલો સાર્વજનિક કામમાં કેમ ચાલે? બધાંને ફાયદો થતો હોય ત્યાં એકનો લાભ વિચારાય નહિ.

'એ તો લોકને માટે ઘર વગરના થવું યે પડે.' હરિવલ્લભ શેઠે ગોપાળ મિસ્ત્રીને સમાજશાસ્ત્રનું એક સૂત્ર સમજાવ્યું. એ સૂત્ર અનુસાર અશક્ત ગોપાળ મિસ્ત્રીને તેના બાળક પુત્ર સાથે સહુએ ઘરની બહાર કાઢ્યો.

હરિવલ્લભ શેઠને આટલી વાત યાદ આવી. મિસ્ત્રીનું ઘર એક દહાડામાં ઉતારી નાખ્યું, અને રસ્તાની, મહોલ્લાની સગવડ તથા શોભા વૃદ્ધિ પામ્યાં. ગોપાળ મિસ્ત્રી ક્યાં રહેવા ગયો, તેનું અને તેના દીકરાનું શું થયું, તેની તપાસ રાખવાનું સાર્વજનિક સુખના કાયદામાં ધોરણ ન હતું.

કાયદામાં ધોરણ ન હોવા છતાં ઘરરહિત થયેલા ગોપાળ મિસ્ત્રી શહેરની એક નિર્જન, ભાંગીતૂટી ધર્મશાળામાં બાળક પુત્રને ભયાનક જગતમાં એકલા મૂકી ગુજરી ગયા. બેબાકળા બની ગયેલા જયરામને મરતી વખતે તેમણે પોતાની પાસે ગોદડી પર બેસાડ્યો અને માથે હાથ મૂક્યો, ક્ષણભર ગોપાળ મિસ્ત્રીની અશક્તિ દૂર થઈ. તેમણે લથડતા અવાજને સ્થિર કરી પુત્રને કહ્યું :

'દીકરા ! હું તો હવે ચાલ્યો. તારું શું થશે તે કિરતાર જાણે. એને ખોળે તને મૂકું છું. ભગવાન જીવતો રાખે તો એટલું કરજે...'

મિસ્ત્રીને શ્વાસ ચડી ગયો. રડતો બાળક સ્થિર બની ગયો. પિતાની ઈચ્છા જાણવા તેણે મન દૃઢ કર્યું. તેણે પૂછ્યું :

'કહો, બાપા ! શું કહેતા હતા ?'