પૃષ્ઠ:Pankaj.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા : ૮૫
 


'હરિવલ્લભ શેઠની હવેલી ભોંય ભેગી કરી નાખજે.' એટલી આજ્ઞા આપતાં બરોબર ગોપાળ મિસ્ત્રીનો આત્મા દેહ છોડી ચાલ્યો ગયો.

એકલવાયો જયરામ મજૂરીએ રહ્યો, નોકર તરીકે રહ્યો, નાનો કૉંટ્રાક્ટર બન્યો, અને મોટો લક્ષાધિપતિ કૉંટ્રાક્ટર પણ બન્યો. એ બધી ય પરિસ્થિતિમાં તેના હૃદયમાં કોતરાયેલી પિતાની આજ્ઞા જરા ય ઘસાઈ નહિ. તેને નિત્ય પિતાના બોલનો ભણકારો સંભળાયા કરતો હતો :

'હરિવલ્લભ શેઠની હવેલી ભોંય ભેગી કરી નાખજે.'

આ હકીક્ત હરિવલ્લભ શેઠને ક્યાંથી ખબર હોય? જયરામ મિસ્ત્રી સિવાય બીજું કોઈ પણ એ બાગનો પૂર્વ ઇતિહાસ આજ સુધી જાણતું નથી. હરિવલ્લભ શેઠની હવેલી ભુલાઈ ગઈ. બાગ કોણે બંધાવ્યો તે પણ લોકો ભૂલી ગયાં; કલેકટર સાહેબના ઘસાઈ જતા નામ સિવાય બાગની સાથેનો તેમનો સંબંધ વિસરાઈ ગયો: જ્યરામ મિસ્ત્રીએ પોતાના પિતાનું મૂકેલું બાવલું લોકોનું કુતૂહલ પણ જાગૃત ન કરે એવું બિનમહત્ત્વનું બની ગયું.

અને છતાં ય એ સાર્વજનિક બગીચાના પાયામાં એક ગરીબ કારીગરનું આંસુ અને નિઃશ્વાસ દટાયાં હતાં એ વાત સત્ય નથી, એમ કોણે કહેશે?

આપણાં સાર્વજનિક સુખસાધનના પાયામાં આવાં આંસુની ભીનાશ શોધનારને જડી આવે ખરી ?