પૃષ્ઠ:Pankaj.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધનિક હૃદય : ૮૭
 

હોયજ. અને સામાન્ય કામ ઉપરાંત બીજી સ્વાદિષ્ટ ચીજની ઈચ્છા થતાં વિદ્યાર્થીઓ મન્મથને જ ચડાવતા, એટલે તે ચીજ તૈયાર બનીને આવતી.

આનો અર્થ એમ નહિ કે તે વેવલો, ઢંગ વગરને ભોળો યુવક હતો. તે સૌને બરાબર ઓળખતો; તેની જીભ જરૂર પડ્યે કાતર સરખી ચાલતી; તેના કટાક્ષમાંથી ભાગ્યે જ કોઈ ઊગરતું; સૌને તેના પ્રત્યે માન ઉત્પન્ન થતું અને થોડો ભય પણ રહેતો. વિદ્યાભ્યાસમાં તે સૌથી આગળ રહેતો. રમતમાં પણ તેની આગેવાની હોય. પરંતુ તેની વાતચીત, ટીકા કે કટાક્ષમાં તે કદી પોતાની ઉદારતાને આગળ કરતો નહિ. તેણે અમુક વિદ્યાર્થીને અમુક વખત ચા પાઈ કે અમુક યુવકને તેણે પોતાનો નવો શૂટ પહેરવાને આપ્યો. એવી કશી જ વાત તેના મુખમાંથી નીકળતી નહિ; અને બીજાઓ તેવી વાત કરવા જાય તો વાત ફેરવી નાખવાની તેનામાં ભારે સિફત હતી. મન્મથ ઉડાઉ હતો, પણ તે ગૃહસ્થ હતો. તેના ઉડાઉપણાની સૌ કોઈ ટીકા કરતું; તે હલકો છે એમ કોઈથી કહેવાતું નહિ. તેની ગૃહસ્થાઈમાં હલકાઈને અંશ પણ નહોતો.

આ તેની ઉદારતા ભણ્યા પછી એવી ને એવી જ રહી. તે એક બાહોશ ધારાશાસ્ત્રી કે કાબેલ અમલદાર થઈ શક્યો હોત, પરંતુ તેમ ન કરતાં તેણે ધંધામાં – વ્યાપારમાં ઝંપલાવ્યું. મહત્ત્વાકાંક્ષી યુવકને વ્યાપારમાં પડવાની અનેક તક મળતી. જર્મન યુદ્ધ પછીના દસકા અડધા દસકામાં પૈસાની છોળો ઊડતી, નવી નવી વ્યાપારી યોજનાઓ ઊભી થતી, અને લાખો મનુષ્ય એ યોજનાઓના માત્ર નામના ભાગીદાર બની એક રૂપિયાના હજાર રૂપિયા કરવાના કીમિયામાં પડ્યા હતા. મન્મથે પણ એક સારા વ્યાપારીનો સાથ મેળવી અનેક વ્યાપારી યોજનાઓમાં પિતાને ફાળો આપ્યો હતો. વ્યાપારી જીવનમાં તે એટલો બધો ગૂંથાયો હતો કે કેટલાક દિવસોથી હું તેને મળી જ શક્યો નહતો.

રાતના દસ વાગ્યે એક દિવસ અચાનક મોટરનું ભૂંગળું વાગ્યું.