પૃષ્ઠ:Pankaj.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ : પંકજ
 

મેં છજામાં અમસ્તુ જ ડોકિયું કર્યું. મન્મથને મોટરમાંથી ઊતરતાં મેં જોયો. ઉતાવળે ઉતાવળે તે આવી હીંચકે બેઠો, અને હું તેને આવકાર આપું તે પહેલાં તો એ બોલી ઊઠ્યો :

'લે, આ તારી રકમ ?'

‘મારી રકમ? મેં તને કશું આપ્યું નથી.' મેં કહ્યું.

'તને શી ખબર? તારા નામના મેં શેર રાખ્યા હતા. સારો ભાવ આવ્યો એટલે વેચી દીધા. હજારનો નફો પડ્યો.'

એક પાઈ પણ ખર્યા સિવાય હજાર રૂપિયા વગર મહેનતે હાથ લાગે એ બહુ રળિયામણો પ્રસંગ છે. નાની નોકરીમાં પૈસાની રેલમછેલ મેં કદી જોઈ નહોતી. એટલે હજાર રૂપિયા હાથમાં પડવાની તકે મને ઉત્સાહી બનાવ્યો.

સાથે સાથે કોઈ અણધારી બીક પણ લાગી. મફત મળતી બધી વસ્તુઓ ભયંકર હોય છે. દૂરથી – વગર દીઠે – એ હજાર રૂપિયા કોઈ બિહામણું હાસ્ય કરતા મને દેખાયા. મન્મથને મેં કહ્યું :

'મારે માટે શેર લેવાનું મેં તને કદી કહ્યું નહોતું.'

'તેથી શું થયું ? મારી પાસે સગવડ હતી. વળી કંપનીના ચાલક પાસે એવી વ્યવસ્થા હોય છે કે જેથી વગર પૈસે શેર ભરી તેમાંથી નફો મેળવી લેવાય.'

'મારે માથે કાંઈ જવાબદારી ખરી ?'

‘બીજા શેર રાખે તો ખરી. આ નફો લઈ બેસી રહે તે કાંઈ નહિ.'

'સાહસ તેં કર્યું અને પૈસા મને આપે છે એ કેવું કહેવાય?'

'બહુ થયું હવે. ડહાપણ રહેવા દે. તને એકલાને નથી આપતો.'

'પાછો બીજાઓને પણ કમાણી કરાવી આપવા નીકળ્યો? કોણ કોણ છે?'

'અરે કંઈક છે. લાગ છે, અને તે વખતે મિત્રો કે સગાંવહાલાંને ભૂલું તો કેવું કહેવાય ?'