પૃષ્ઠ:Pankaj.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૮૯
 

અમે કૉલેજમાં ભણતા ત્યારે મન્મથ ઘણી વાર કહેતો કે જો તેને ધનાઢ્ય થવાની ચાવી મળે તો તે બધા ય મિત્રોને ધનવાન બનાવી દે. અમે હસતા. ધન મળ્યે કોઈને તે યાદ પણ કરશે નહિ એવી ખુલી ટીકા કરતા. જવાબમાં અતિ ગાંભીર્ય પૂર્વક તે એટલું જ કહેતો : 'વખત આવ્યે બતાવીશ.'

ઉદારતાભર્યું સ્વપ્ન ખરું પડતાં આ મિત્રને હું સાનંદાશ્ચર્યથી જોઈ રહ્યો. તે જાતે અમારા શેરો– અમારી અજાણમાં અમને ધનિક બનાવવા માટે જ તેણે લીધેલા અમારા શેરો-લઈ શક્યો હોત; અરે, તે અમારા નામે ચાલતા શેરોના પૈસા પણ લઈ શક્યો હોત તેમ ન કરતાં તે અત્યારે મિત્રો અને સંબંધીઓને ધનવાન બનાવવા મથી રહ્યો છે !

‘પરંતુ આ શેરના ભાવ ગગડી જાય તો ?' મેં પૂછવું.

'તેમ થવાનો સંભવ જ નથી. એ તો સોના જેવા માનજે - As good as gold.'

સોનાના ભાવ પણ બેસી જાય છે એ વાત મને તે વખતે સૂઝી નહિ. આથી વધારે લાભ મળે એવા બીજા શેરોમાં આ રકમ મૂકવાની તેણે મને સલાહ આપી. પરંતુ કદી ન જોયેલી હજારની રકમ પાસે જ રાખવાનું મન થયું. એટલે આમ અણધાર્યા કમાવી આપેલા રૂપિયા આભાર માની મેં લઈ લીધા. જતે જતે તે બોલ્યો :

'બનશે તો બીજી આટલી રકમ તને આવતે અઠવાડિયે અપાવીશ.'

'પૈસાનું ઝાડબાડ ઉગાડ્યું છે કે શું ?' મેં હસીને પૂછ્યું.

'હિંમત હોય તો પૈસાનાં ઝાડ પણ ઉગાડી શકાય.'

પૈસાના ઝાડની કલપનામાં સારી નિદ્રા આવી. સવારે ઊઠીને સ્વકમાણી - અગર જે કહો તે – માંથી પહેલી જ વખત પત્નીના ઘરેણાંમાં અઢીસો રૂપિયા ખર્ચા, અને બાકીની પૂંજી સહીસલામત રીતે સરકારી બૅન્કમાંથી દાટી દઈ, આવતા અઠવાડિયામાં ફળનાર ધનવૃક્ષને મનમાં વિચારતો બેઠો.