પૃષ્ઠ:Pankaj.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ : પંકજ
 


પરંતુ એ અઠવાડિયામાં વૃક્ષ ફળ્યું લાગ્યું નહિ. બીજે અઠવાડિયે જરા તાલાવેલી થઈ; છતાં ગાંભીર્ય ઘટે એ ઠીક નહિ. એમ વિચારી એ તાલાવેલી સહન કરી લીધી. પણ ત્રીજુ અઠવાડિયું વીતતાં મારું મન ઝાલ્યું રહ્યું નહિ. હું જાતે જ મન્મથને ત્યાં બપોરની ચા વખતે પહોંચી ગયો. મન્મથ ઘરમાં નહોતો. તેની પત્ની રસનાનું મુખ સહજ ઉદાસ લાગ્યું.

'કેમ રસનાબહેન ! અમારા શેઠસાહેબ કયાં ?' મન્મથને મોટર રાખી વ્યાપાર કરતા થયા પછી અમે બધા 'શેઠ' ઉપનામથી બાલાવતા અને ચીઢવતા.

'કોણ જાણે ! ત્રણેક દિવસથી રાતદહાડો ક્યાં ફર્યા કરે છે તે સમજાતું નથી.’

'એ તો પૈસાના ઝાડની પ્રદક્ષિણા કર્યા કરે છે. હવે ઘણું કમાયો. મોટર-બંગલો થઈ ગયાં. જપીને બેસે તે સારું.’ એમ મેં કહ્યું.

છતાં મને મારા બીજા હજાર રૂપિયા આપીને મન્મથ આરામ ભોગવે એવી અંતરમાં ઈચ્છા થઈ આવી. તેણે અપાવવા ધારેલા પૈસા મારા જરા ય ન હોવા છતાં તેમાં મને સંપૂર્ણ મમત્વ આવી ગયું હતું. સ્વાર્થ આટલો બધો આંધળો છે !

'કાંઈક શેરના ભાવ ઓછા થવાની વાત ચાલે છે. મને કશું કહેતા નથી એટલે સમજણ પડતી નથી.' રસનાએ કહ્યું અને મારો જીવ ઊડી ગયો. મારા હજાર રૂપિયા ગયા કે શું તેની મને પહેલી ચિંતા થઈ. રસના ચાની સરભરા કરવા માંડી તે જોઈ મને ઉપજેલી ચિંતા માટે શરમ આવી.

મફતના હજાર તો મળી ગયા. બીજા હજારની હું તૃષ્ણા સેવું છું. અને કંઈકને આવા હજાર રૂપિયા અપાવનાર મન્મથ માટે ઊંચા જીવ કરવાની પણ મને ફુરસદ નથી ! મારા મનમાં વિચાર આવ્યો અને વિવેકી, હેતાળ અને ઉદાર રસનાની મહેમાનગીરીનો સ્વાદ ચાખી ઘેર જતાં જતાં મારી ચિંતા મટી ગઈ. પરંતુ સાથે સાથે મન્મથ