પૃષ્ઠ:Pankaj.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધનિક હૃદય : ૯૧
 

માટેની ચિંતા મારા મનમાં જાગી. એ ચિંતાને લીધે હું ફરી બેત્રણ વખત તેને મળવા ગયો પરંતુ તેનો મેળાપ મને થયો નહિ.

એક દિવસ રસ્તામાં એક સહજ ઓળખીતા માણસે મને ઊભો રાખ્યો અને પૂછ્યું :

'કેમ?' જાણ્યું ને તમે?'

હું કાંઈ સમજ્યો નહિ. પેલા માણસના મુખ ઉપર કાંઈ નવી આનંદભરી વાત કહેવાની ઈન્તેજારી હતી. મેં કહ્યું :

'ના, ભાઈ, શી વાત છે?'

‘આ તમારા મન્મથભાઈનાં ડોલચાં બેસી ગયાં.' અનિષ્ટ સમાચાર આનંદપૂર્વક કહેવામાં કેટલાક લોકો એક્કા હોય છે. એ માણસને ધોલ લગાવી દેવાનું મને મન થયું. પરંતુ આ જગતમાં મન મુજબ કરવાની છૂટ ભાગ્યે જ કોઈને મળે છે. મેં આશ્ચર્યથી પૂછ્યું :

'એમ? શું ખરું કહો છો?'

'આખું ગામ જાણે છે અને તમને ખબર નથી ?'

'ના, ભાઈ, બહુ ખોટું થયું.'

'એ તો જાણી મૂકેલું જ હતું. બહુ કરે તે થોડાંને માટે. બંગલો મોટર ગયાં.'

'આપ એના દુશ્મન કે હરીફ છો !'

'ના, જરા ય નહિ. એણે તો મને ઠીક ખટાવ્યો છે.'

'ત્યારે તમે આટલા આનંદથી કેમ વાત કરો છો ?'

આ પછી અમારી વચ્ચે ઝાઝી વાત થાય એમ હતું જ નહિ.

નોકરી ઉપર જવાને બદલે હું એકાએક મન્મથ પાસે દોડ્યો. તેનું મુખ સહજ ઝાંખું હતું. પરંતુ મને જોતાં જ તેણે હસીને મને બેલાવ્યો.

‘કેમ ? તું મને આશ્વાસન આપવા આવ્યો છે?'

‘તારા મુખ ઉપરથી તને આશ્વાસનની જરૂર દેખાતી નથી. પણ કહે તો ખરો કે શું થયું ? મારો ઉપયોગ થાય તો કરી લેજે.'