પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનની મનોવાસના યે એવી નથી? છાંટિયે તેમ તેમ ઝાળ બમણી ભભૂકતી નથી? લખતાં શીખ્યા પછી હું લખું છું તેમ તેમ બમણું લખવા મન થાય છે: જાણે બધું યે હૈયું ઠાલવી નાંખું ને પરમેશ્વરથી યે સંસારને સોહામણો સરજું.

ત્ય્હારે હું પહેલે જ આણે આવી હતી, ને આવ્યે બે-એક રાત્રીઓ વીતી હતી. એ રાત્રીઓ પૂર્ણિમાની યે ન્હોતી, કે બીજની યે ન્હોતી: આઠમની હતી. અડધેરૂંક અન્ધારિયું ને અડધેરૂંક અજવાળિયું: એવી એ રાત્રીઓ વીતી હતી.

ને પછી?

અજવાળિયાની એ અડધી રાત ગમી; પણ અન્ધારિયાની અડધી રાત અમને ન્હોતી ગમી અમને ન્હોતી ગમી.

અન્તરનું કે બહારનું અન્ધારિયું કોઇને યે ગમે છે કે અમને ગમે?

ચન્દ્ર પૃથ્વીને ચન્દ્રિકા ઢોળતો એમ એમણે મ્હારા ઉપર ઉરની ચન્દ્રિકા ઢોળી. ત્હો યે મ્હને તો ઉણપ જ ભાસતી: કંઇક મંહી અધૂરૂં-અધૂરૂં લાગતું. દુનિયા યે આજ અધૂરી લાગે છે ને?

ત્ય્હારની અમારી દુનિયા યે મ્હને અધૂરી-અધૂરી લાગી. કલ્પનાની ને આશાની આંખડીએ દુનિયાને હું દેખવા ગઈ-ને ભૂલી. નાટકોમાં જોયું હતું, સચિત્ર માસિકોની નવલિકાઓમાં વાંચ્યું હતું એવું જગત ન ઝંખાણું. યૌવનની મ્હારી કલ્પનાએ સરજેલા હવામહેલો જેવો સંસાર મ્હેં ન