પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીઠો. મ્હારા મનને ઓછું આવ્યું. ને એ કાંઈક એમણે જોઇ લીધું હોયે ખરૂં.

ઘરકામથી પરવારીને પાછલે પહોરે આંગણાંમાં હું બેઠી હતી. બારણામાં એક વૃક્ષ હતો તે મ્હારા ઉપર મ્હોર વરસતો. આંબામ્હોર જેવા આંગણઢળ્યા એ મ્હોર હું વીણતી ને માળા ગૂંથતી.

તે દિવસે ઘામ વધારે હતો. દેહે પરસેવાનાં બિન્દુ ટપકતાં. આંખો યે ટપકું ટપકું થતી. ઉરમાં ને જગતમાં તે દિવસે ઘામ વધારે હતો.

મ્હારી યૌવનની આંખોએ સંસારની કવિતા નિરાળી નિરખી. મ્હેં માન્યું'તું જૂદું ને દીઠું જૂદું. હું ઉછરી'તી નિરાળાં ફૂલોની ફૂલવાડીમાં. સંસારની ફૂલવાડીનાં ફૂલોના રંગ ઉપટેલા ને ફોરમ ફીક્કી મ્હને ભાસી. મળેલી સુગન્ધનું નહિ, મળેલી સુગન્ધમાંની ઉણપનું ચિન્તવન ચિન્તવતી દુઃખિયારી શી હું બેઠી હતી.

ત્યહારે મ્હારી દૃષ્ટિને સંસાર કવિતા જેવા ન્હોતા દીસતા. નાટકોમાંનાં રસરસિયાં મ્હને ઝાકઝમાળ ભાસતાં, સંસારમાંનાં રસરસિયાં મ્હને ઝાંખપઓઢ્યાં દેખાતાં. મ્હને ત્ય્હારે ખબર ન્હોતી કે નાટકોની રંગભૂમિ ઉપર તો ઘણુંખરું ભાયડે ભાયડા એ પ્રેમલીલાના ખેલ ભજવે છે.

હું તો આસપાસ જોતી ને ઓછું આણતી.

એવે મ્હારા ખોળામાં ઓળો પડ્યો: જાણે ઉડતા