પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગરુડની છાયા. પાછું વાળી જોઉ-ન જોઉ ત્ય્હાં તો મ્હારી નેત્રપાંદડીઓ ચંપાઇ. સફાળી હું બોલી ઉઠી: 'નાથ.'

ક્ષણેક તો મ્હને યે લાગ્યું કે કવિતાની રસવેલીઓ પણ સંસારની ધરતીમાંથી જ ઉગે છે.

મ્હને આંસુ આવી ગયાં. એમાં આનન્દના યે અશ્રુઓ હતાં, ને હૈયાના ઓગળી જતા હૈયાભારનાં યે અશ્રુઓ હતાં.

નાથે કહ્યું: ઘેલી ! સંસાર ને કવિતા નિરનિરાળાં હશે ત્હો યે બન્નેમાં વહતી રસસેર એક જ છે: આંબાનાં મ્હોર ને કેરીની પેઠમ. મ્હોર ખાધે તૂરા લાગે; ને કેરીઓ ખાટ્ટી યે હોય ને મીઠ્ઠી યે હોય.

મ્હેં કહ્યું'તું ને કે એ કદાચ મ્હારૂં મનદુઃખ જાણી ગયા હોય.

મ્હેં રસવિવેકનો ઉત્તર વાળ્યો: ત્હો ય મ્હોર ને કેરી બન્ને યે આંબાનાં સ્તો? એ મ્હોરની માળા અત્ય્હારે ગૂંથી રહી છું - ત્હમારે કાજ.

એ મ્હારી બીજી ભૂલ હતી. વસન્ત ઉતર્યે મ્હોર માઠા હોય અનું ભાને હું તો ભૂલી ગઈ હતી.

એમણે મ્હારી ભૂલ ભાગી: આ મ્હોરની ઋતુ યે નથી, ને આ આંબા મ્હોરે નથી. આંગણું ભરી છાયા ઢાળતો આ આંબો નથી, બોરસળી છે; ને આ બોરસળીનાં ફૂલ છે. માળા નહિ, પંખો ગૂંથ આ બોરસળીનાં ફૂલનો.