લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pankhadio.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

⁠વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી.

⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે. એટલે જરાક પડદા ઉઘાડી અમારા રંગઢંગ-કંઈક આછાઅધૂરા યે-સહિયરોને દાખવવાની મ્હને ટેવ પડી ગઈ છે. કેટલીક સાહેલીઓ સાંભળે છે; કેટલીક હસે છે. પોતાનાં યે નિજમન્દિરની એવી એવી વાતોનાં સ્મરણોનાં તેજકિરણો કેટલીકની આંખડીઓમાં વણબોલ્યે ચમકી ઉઠે છે.

⁠સહુના યે એકાન્ત તો સરખા ને ?

⁠ત્ય્હારે એક પ્રભાતની વાત કહું છું.

⁠કોયલને ટહુકે જાગી ને મોરને ટહુકે નાથ જાગ્યા. જાગીને જોયું તો અજવાળાં ઉગતાં હતાં, પણ મ્હોંસૂજણું નહોતું થયું. એક ભરથરી રાવણહથ્થાને છેડી મોરને ઘેરે ઘેરે પ્રભાતિયું ગાતો હતો.

⁠એ રોજ કહેતા કે અમારૂં ગામ કાલિદાસની ઉજ્જ્યની નથી. ગામને પાદર ક્ષિપ્રા યે નથી કે સારસે નથી :

⁠સારસના કલરવે અમે જાગીએ ને કમળવનના સુગન્ધ કળાયે અમે પુનશ્ચેતના પામીએ. રોજ તો અમે એલારામના ઘણઘણાટથી જાગતાં.

⁠અને જાગીને યે અમે તન્દ્રામાં પડતાં.

૨૧