પૃષ્ઠ:Pankhadio.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હૈયા ઉપર હૈયું પાથરી હું પડી હતી. નાથના કરતલની કમળપાંખડીઓ દેહદેશને પંપાળતી, રોમાંચ જગાડી, દેહમાંનાં રૂધીર વધુ વેગે વહેવડાવતી હતી.

કેટલાંક તરનારાં જાણે જલપથારીમાં પોઢે છે ને નિશ્ચેષ્ટ શા પડ્યા રહે છે : એમ હું કેટલોક સમય પડી રહી. બારીની વેલીમાં થઈને આવતો મન્દ મન્દ પ્રભાતી પવન શીતળતા ઢોળતો. શીતળતાનાં એ શીતાસવ પી પીને ઠરી ગયાં સમાં અમે પડ્યાં હતાં.

અમને જીવનનાં ઘેન ચ્હડ્યાં હતાં. यतो वाचो निवर्तन्ते એવી કો સમાધિદશામાં અમે જાણે રસસમાધિસ્થોમાં પડ્યાં હતાં.

જગતમાં કેટલાંક મનસ્વીઓ છે. કોઈની વાટ નથી જોતાં, કોઈનો વિચારવિવેક નથી કરતાં, પ્રસંગની યોગ્યા-યોગ્યતા જોઈને નથી વર્તતાં. આગગાડી, ઘડીઆળ, સૂરજ એવાં છે. મનસ્વીઓ સહુ સાચાબોલાં પણ વિવેકશૂન્ય હોય છે.

અમારા નિજમન્દિરમાં જાણે પેલા માતા કહાડનારા વળાદરાઓની થાળી રણકી ઉઠી. એ અમારા ઘડીઆળનું એલારામ હતું.

સ્વપ્નાં યે ખૂટે છે ને સાચને યે સીમા છે. અમારી તન્દ્રા ઓસરી ગઈ. જોયું તો જગતમાં રૂપાની રેલો રમતી. સૂર્યે હજી સોનાથી ધરતીને મઢી સુવર્ણા કીધી નહોતી.

હું ઉઠી, ને કહ્યું : જાઉ છું.

એમણે કહ્યું : અજબ છે તમ સ્ત્રીઓનાં સમર્પણ. અંગને આત્મા પુરુષના પૌરુષને સમર્પો છો : ને એમની કઠોરતાની

૨૨