પૃષ્ઠ:Pankhadio.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. સ્ત્રી પુરુષને નચાવે છે ને એ નાચ નિરખી નિરખી રાચે છે એ શું જગત નથી જાણતું ? નાચતો નાચતો મોર ઢેલના પગમાં પડે છે એ સમર્પણ નહિ કાં ? પુરુષનાં સમર્પણ શાં ઓછાં છે જે ? અમારૂં સર્વસ્વ ત્‍હમને સમર્પીએ છીએ એ ખરૂં. ત્‍હમે ત્‍હ્મારૂં સર્વસ્વ અમને સમર્પતા નથી શું ? આયુષ્યનાં માખણ ઉતારી ઉતારીને તો ભાગો છો અમારી ભૂખ.. પરસેવામાં પ્રાણ નિતારો છો. કિયા કોડ અણપૂર્યા રાખ્યા અમારા ? પડળ પડ્યાં હશે કો રૂપગર્વિલીને રૂપનાં, તે પેખતી નહિ હોય પુરુષોનાં સમર્પણ. વસાવોને ઘડીક જૂદાં ગામ એવી રૂપગર્વિલીઓનાં કે વરનાં મૂલ સ્‍હમજે. એક હોય પુરુષશૂન્ય સ્ત્રીનગરી. યક્ષને યક્ષેશ્વરે- ત્‍હમે પેલી કાલિદાસની અલકાની વાત કહેતા હતા ને એમ -યક્ષને યક્ષેશ્વરે કીધી'તી વર્ષભરના પત્ની વિયોગની સજા : એમ પુરુષદ્રોહી સ્ત્રીઓને પુરુષશૂન્ય સ્ત્રીનગરીમાં વર્ષભર રહેવાની સજા ફરમાવો. પછી જૂવો મઝા એ રૂપગર્વિલીઓની તાલાવેલીની. એમનાં રૂપને ત્ય્હાં જોશે યે કોણ ? તરત સ્‍હમજાય પુરુષનાં મૂલ. જાવ, જાવ : દુનિયાં નાટક ભજવે છે -નાટક. અન્તર ઉઘાડીને વાત કોક જ કરે છે.-ને જગત કને થાયે કય્હાંથી ? અંહી નિજમન્દિરમાં બોલું છું એવું જગતમાં કંઈ બોલાય ? સારનો સાર એ : હું તો આ અજવાળાં જેવાં પેખું છું મુજ કાજેનાં મ્હારા નાથનાં સમર્પણ.

નાથે કહ્યું : તું યે હૈયાં ઠાલવ છ ને હું યે પ્રાણ પાથરૂં છું : એ સૌ આપણે આપણાંને કાજે. આપણો દિવસ ઉગે છે હો ! જો ! ત્‍હારાં દર્શને સૂર્યનારાયણ પધાર્યા.

૨૪