પૃષ્ઠ:Pankhadio.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના


આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય.

આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા.

હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.

આમાંની દશેક વાર્તાઓ—આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી.-લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦ મી સદ્દીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે-૧૮૯૮-૯૯ માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છૂપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી: પાકકાળે કેરી પાકે ત્ય્હારે આપું છું.

અને આ વેળાના વિલંબનું તો એક બીજું પણ કારણ છે. ઇ. સ. ૧૯૨૫ ના જૂન માસના છેલ્લા દિવસો અને જૂલાઈ માસના પ્રથમ દિવસોના પખવાડિયામાં આઠદશેક વાર્તાઓ ઉભરાઈ ને મ્હારી છબી શારદછાબમાં ઠલવાઇ. મ્હારે એ દિશા નવી હતી એટલે