પૃષ્ઠ:Parkamma.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
પરકમ્મા :
 

 હોય, કોઈનું બેઠલ હોય, કોઇનું ગોળી જેવું હોય, તો સવારે દીવાની શગ્ય જેવું થઈ જાય. ને ઓલ્યાં જૂનાં નાક જે કાપીને હડફામાં મેલ્યાં હોય તે તમામ સોસેનાનાં થઈ ગયાં હોય.'

હાંઉ, પછી કાંઈ પદમિયો મણા રાખે ! દીવાળીની રાતે, પોતાનું ને બાયડીનું, બેયનાં નાક કાપ્યાં. વધુ સોનાની લાલચે ઠેઠ કપાળેથી અસ્તરો ચલાવ્યો, ને પછી આખી રાત જાગતાં બેઠાં. નવા વરસનું પરોડ થયું. સવાર પડ્યું. પણ ન તો નવાં નાક આવે, કે ન જૂનાં કાપેલ સોનાનાં બને ! મોં માથે લુગડું વીંટીને પદમો લપાતો લપાતો વાણિયા પાસે ગયો. “શેઠ, ઓરા આવજો તો ! આ અમારાં નાક તો નવાં ન આવ્યાં.”

'અરર! પદમાભાઈ ! તમે મને પૂછતા'તા તયેં શી ખબર કે તમારે પણ નવે નાકે દીવાળી કરવી હશે ! મને કહેવું'તું તો ખરું ! કાપતી વખત મંતર ભણવાના હોય છે ! મને પૂછ્યું તો હતું ! હવે શું થાય !'

પછી વાણિયે વાણિયણને કહ્યું: 'હવે કૂવાકાંઠે પદમાભાઈ વાળંદની વહુ તને છાંટા નહિ ઉડાડે. બાકી આપણે તો વાળંદથી ઊતરતાં, અરે ઢેઢથી યે ઊતરતાં. ગમે તેમ તોય ઈ દરબારી વાળંદ ! ને આપણે વાણિયાં.'