પૃષ્ઠ:Parkamma.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
પરકમ્મા :
 


‘અરે ! કાલિદાસભાઈના ડીકરા !’ બેવડા આનંદે રાણાભાઇની જબાન વહેતી થઈ. ટાંચણ કે કાગળની એને જરૂર નહોતી. એને મન તો બહારવટિયાનો ઇતિહાસ એ એક જીવતું જગત હતું, એ જગતનું તો પોતે એક પાત્ર હતા. એક પણ ઠેકાણે અટક્યા કે યાદદાસ્તને તાજી કર્યા વગર, રાણાભાઈએ કડકડાટ વાતો કહેવા માંડી ને મેં ટપકાવવા માંડી. જાણે કે કોઈ છાપેલ ચોપડી વાંચતા વાંચતા પોતે લખાવે જતા હતા ! નિરક્ષરતાની દુનિયામાંથી ખડો થયેલો એ જત જુવાન, એજન્સીની નોકરીમાં સોળ શેરની બંદૂકને ખભે લઈ કોન્સ્ટેબલની છેલ્લી પાયરીથી પ્રારંભ કરી છેવટે ફોજદારી સુધી પહોંચેલ તે કલમના બળથી નહિ, જવાંમર્દીના જોરથી. લખતાં તો એને શીખવું પડ્યું હતું. ગામડાંના પોલીસ-પટેલ કરતાં વધુ વાક્યરચના આવડતી નહિ. પણ વાચા એના કંઠમાં હતી. સવાર અને સાંજની બે બેઠકોમાં એણે મારાં પાનાં ને પાનાં ભરાવી આપ્યાં.

એ પાનાંમાંથી આગલાં ઘણાં પાનાં મારી પોથીમાંથી ખરી ગયાં છે. બાકી વીસેક વળગી રહ્યાં છે. ગયેલાં પાનાંમાંથી મેં ઘણોખરો સંભાર તો બહારવટિયાનાં વૃત્તાંતોના ત્રણ ભાગમાં ભરી લીધેલ છે, છતાં કેટલીક લાક્ષણિક વાતો ગુમાવી છે એવું લાગ્યા કરે છે. આ જતો, સંધીઓ અને વાઘેરોનાં કથાનકો તો ઠીક, પણ એમની પ્રણાલિકાઓ, પરંપરાઓ અને આચારવિચારો, જેને હું વધુ મહત્ત્વ આપું છું, જેની પાર્શ્વભૂ પૂર્યા વગર નરી વાર્તાઓના બુટ્ટા નિસ્તેજ લાગે, ને જેની પ્રાપ્તિ રાણાભાઇ જેવા માણસો જ આપણને કરાવી શકે, તેના પર જ મારું ધ્યાન હતું. દાખલા તરીકે ભીમા જતની હકીકતમાં એક પ્રસંગ છે.

નામર્દોની અદબ શી !

‘ઇસવરીઆ ગામના જુવાન સંધી હાસમ બાવા ઝુણેજાને ભીમા બહારવટિયાના માણસોએ પકડીને મારી નાખ્યો. એના જ ગામને ઝાંપે એને મરેલો ખીલા માથે બેસાર્યો. કારજને દિવસે સવારે સંધીઓ ભેળા થયા. ડાયરો બેઠો