પૃષ્ઠ:Parkamma.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
પરકમ્મા :
 

 ‘ક્યાં છે હરામખોરો ? બતાવ, નહિતર મારી નાખશું.’

‘હાલો બતાવું.’

કાંટ્યમાં લઇ ગયો.

ઊંચી ટેકરી પર ચાડીકો ઊભેલો એને અમે બંદુકે માર્યો. બધા બારવટિયા ભાગ્યા, પણ પાછા આવી એ મુએલ જુવાનની લાશ લઇને જ ગયા.

પાછળ અમારી ઘસત થઇ.

બહારવટિયા ગામમાં દાખલ થવા આવ્યા. લોકો આડા પડી કહે છે ‘સાહેબ અમારું ગામ બાળી નાખે.’

બહારવટિયાએ એમાના ત્રણનાં માથાં કાપ્યાં. ગાડાં લઇને ગઢ કર્યો.

‘અમે આવ્યા. માથાં વાતો કરવા જાય !’

(બહારવટિયાએ કાપેલ લોકોનાં માથાં વાત કરવા મથતાં હતાં !)

અમે ગાડાં પર ગોળી મારી, ગાડું તૂટ્યું. કોઠા પર જે જુવાનો ઊભા હતા, તેમના પર અમે ગોળીઓ ચલાવી. તેઓ ઘોડસાર ઉપર ખાબક્યા. ગાડુ મૂકીને બાર જણા ચડી ગયા. ત્યાંથી તેઓ ધીંગાણું કરવા લાગ્યા. અમે રબારીને ઘેર ઓડા લઈ ગયા. ત્યાંથી અમે ગોળી આંટી. મુંગરીઆ જુસાને માર્યો.

છતાં બહારવટિયા કોઠા ઉપર બેઠા બેઠા પાવા વગાડે, કાફીયું ગાય.

છેવટે બહારવટિયા નીચે ઊતર્યા. મુએલા મુગરીઆ જુસાની લાશ લઈ લીધી. કિનખાપના રેટા ઓઢાડ્યા, લોબાન કર્યો. દફનાવીને ભાગી ગયા.

પાંચ હજાર માણસ ભેળા થઈ ગયા. આલા જમાદારે કોઠા ઉપર ચઢી સળગતો પૂળે કરી અમને સમજાવ્યું કે હવે ભડાકા કરો મા.

સાચા વૃત્તાંતો દેનાર

કહેનાર પોતે જેમાં સામેલ હતા તે ધીંગાણાનું આ એણે શબ્દશઃ કરેલું વર્ણન છે. રાણાભાઇની કાવ્ય કે અલંકાર, વર્ણન કે ભભક વિહોણી, એક પોલીસ ડાયરી જેવી કહેણી પણ પ્રાણવંત ચિત્ર આપે છે. મેં હમેશાં માન્યું છે, કે જૂના વખતના કાઠિયાવાડી પોલીસખાતાના માણસો એ આ પ્રકારનું સાહિત્ય મેળવવાનાં સારાં સાધન છે. બહારવટિયા ને ડાકુઓ સાથે હાથોહાથ ધીંગાણાં ખેલેલા,