પૃષ્ઠ:Parkamma.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
પરકમ્મા :
 

 ‘જુસો મનરો.’

એટલે મૂળુ માણેકે ગાડું લૂંટવાની ના પાડી. પણ વીધો માણેક ન માન્યો. ઘણું મૂળુ માણેકે કહ્યું છતાં ખરચીને અભાવે છેવટે ગાઠા પાછળ ચાલ્યા. માથે ધાબળા ઓઢીને બાવાઓ સાથે ભળી ગયા.

ગુરુગઢ નજીક હતું. આયરે ગાડું છોડ્યું. જુસો મનરો દેવતા સળગાવી ચલમ ભરે છે. આહિરની દીકરા-વહુનાં બધાં ઘરાણાં પોતાના હમાચામાં છે.

એમાં મૂળુ માણેકે જુસાની બંદુક ખેંચી લીધી. ટપોટપ કૂચલીઉં ઉપાડી, અને બંદૂકું ભરી.

જુસો મનરો કહે, ‘બંદુક શું કામ ? તરવારે આવી જાવ.’

એક હાથે છરી લઇ, બીજે હાથે હમાચો વીંટી, જુસો કુદ્યો. છરીથી ત્રણને માર્યા.

ગાડામાંથી વહુ કૂદી, સાસરાને કહે ‘પીટ્યા ! જોછ શું ?’

જુસાની તરવાર વહુએ ખેંચી અને વહુ કૂદી.

સસરો કહે ‘અરે દીકરી ! મને તરવાર દે.’

કે ‘ના બાપ તને ન હોય !’ બાઇ મંડી, બે જણને માર્યા.

મૂળુ માણેક પોતાના જણને કહે ‘હવે બસ.’

લાશો ઉપાડીને ચાલ્યા ગયા.

માનવતા સ્પર્શતી હતી

આ છેલ્લા પ્રસંગમાંથી બે મુદ્દા નોંધપાત્ર બને છે. એક તો ખરે ટાણે સોરઠી ઓરત મરદાઈ દાખવવા કુદી પડે : ને બીજું, કાઠિયાવાડના કાંટીઆ લોકોને બંદુકો પ્રત્યે નફરત : છેલ્લી વેળાનો મામલો મચે છે અને મરવું એ જ્યારે નિશ્ચિત લાગે છે, ત્યારે પણ ‘આવો તરવારે !’ એવો વીર–પડકાર સંભળાય છે. આખરી ટાણે ગભરાટ કે શૌર્યનો સન્નિપાત નથી. પણ શાંતિભેર અને ગૌરવભેર હાથોહાથની સમશેરબાજી બતાવીને પછી ખતમ થવાય તેની ખ્વાયેશ છે. બંદૂકો જ્યારે આ પ્રાંતે પહેલવહેલી આવી ત્યારે બહાદુરો બહુ રંજ પામ્યા હતા, અરે રોયા પણ હતા એમ કહેવાતું હું ઠેર ઠેર સાંભળું છું.