પૃષ્ઠ:Parkamma.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૧૦૭
 

કારણ કે તેમનો પોરસ હમેશાં હાથોહાથની લડાઈમાં મરદાઇનું પાણી બતાવવામાં હતો. વાત સાચી પણ છે. સામસામા આવીને જે મુકાબલો થતો હતો તેમાંથી પ્રેમના કેટલાક ઉચ્ચ અંશો પ્રકટ થતા. બંદૂકોએ એ અંશો ઓછો કર્યા. લડાઈ જેમ જેમ વધુ યાંત્રિક બનતી ગઈ તેમ તેમ વ્યકિતગત ખાનદાનીનું પ્રાકટ્ય કમતી થયું. ઠંડે કલેજે માઇલોના માઈલો દૂર રહીને અગર તો આકાશમાં ચડીને ગોળા વરસાવનારાઓને માટે મુખોમુખ માનવતાનું દર્શન અને જેના પોતે ભોગ લઇ રહેલ હોય છે તેના પ્રત્યેનું ઊર્મિસંવેદન અશક્ય છે. મારનાર મરનારને જોતો નથી. મૂળુ માણેકની પાસે મશીનગન હોત તો, એની મોટી સંખ્યા સામે એક બંદૂકવિહોણો સિપાહી ફક્ત છરીભર લડી રહેલ છે અને એક આણાત અબળા તરવાર લઈને ઊતરી પડેલ છે એથી એને હૈયે અહોભાવ અંકિત જે માર્દવ પ્રકટ્યું તે પ્રકટત નહિ અને ઘરેણાં લીધા વગર એ પાછો ફરી જાત નહિ.


વાતડાહ્યાઓ વિદાય લે છે

પાને પાને ઘટનાઓ ટંકાતી આવી છે. ઇતિહાસ જેની ખેવના જરીકે ન કરે તેવી નાની નાની, ગામટીંબાની, કુટુંબની, ઘરઘરની ઘટનાઓ લોકજિહ્‌વાએ લખી રાખી. કારણું કે એને તો લોકોને ઉંબરે ઉંબરે જઇને સંસ્કાર સચવાવવા હતા. માનવી માનવી વચ્ચેનો આચારવ્યવહાર ઊજળો રખાવવો હતો. મારાં ટાંચણનું નવું પાનું એવી એક જ ગામટીંબાની વાત સાચવી રહ્યું છે—

‘બગસરા ગામનો કાઠી દરબાર હરસુરવાળો. એની સામે માત્રો અને ઓઘડ [બાપ ને બેટો] નામના ભાયાત બહારવટે, બાપ ને બેટો કેવા ?—