પૃષ્ઠ:Parkamma.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૧૦૯
 

 જાંતરૂ કહે કે ‘બાપુ, આંહીનું પાણી ન પીવાય. હવે તો પ્રાચીને પીપળે પિવાડીશ.’ (મુઆ પછી પ્રાચીને પીપળે પિતૃને પાણી નખાય છે.)

સૌથી મોટું પાપ ખુટામણ

મરતા પિતાને મોંયે પણ એ ધરતીનું પાણી પુત્રે ન મૂક્યું. કારણ કે એ પૃથ્વી ગોઝારી હતી. એના માલિકે ખુટામણ કર્યું હતું. ને ખુટામણની તોલે આવે તેવું બીજું એકેય પાપ સોરઠની ધરામાં મનાયું નથી. એક વાર જેને આશરો દેવાઈ ગયો તે ચોર, ખૂની કે ડાકુ હોય તો પણ એના પ્રત્યે ખુટામણ-વિશ્વાસઘાત ન થઈ શકે. ચાંપરાજવાળા બહારટિયાને હાથ કરવા માટે સરકારની જેતપુર વગેરેના કાઠી દરબારો પર ભીંસ થતાં એમાંના આગેવાન દરબાર મૂળુવાળાએ હામી બની ચાંપરાજની તલવાર છોડાવી અને પછી તો સરકારે ચાંપરાજને કાળા પાણીની સજા કરી, એટલે ચારણ પાલરવ ગિયડે ફિટકારવો ઘણો ઉગ્ર દુહો કહ્યો—

વન ગઈ પાલવ વિના,
જનની કે’તાં જે;
દોરીને ચાંપો દેતે
માન્યું સાચું મૂળવા.

(હે મૂળુવાળા ! તમારી કાઠીઓની માતા, લગ્ન વખતે ચૉરીમાં બેસે છે ત્યારે કાપડું નથી પહેરતી, એ મેં આજે સાચું માન્યું. અર્થાત કાઠીલગ્નની આ રૂઢિ પર એવો મર્મ કર્યો કે ‘તમે કાઠીઓ નાગીના છો.’)

જોગીદાસ ખુમાણને વિશે પણ એમ જ બન્યું. એમના બહારવટાનો તાપ ન સહેવાયો એટલે સરકારે અને ભાવનગર રાજ્યે—

ઠેરઠેર ભેજિયાં થાણાં
કાઠી ગળે ઝલાણા કોય;