પૃષ્ઠ:Parkamma.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
પરકમ્મા :
 


કે ‘ચડીને નીકળશે એટલે કાઠીઓ મહર (મશ્કરી) કરશે કે આની માને ચોર લઈ ગયા. અને કજિયો કરશે તો કહેશે કે અમે તો આ ઘોડીને વિષે કહેતા હતા !’

વાતડાહ્યા સોરઠિયા

પોતાની યુવાન કાઠીઆણીના આટલા જ શબ્દોએ હીપા ખુમાણને ખાવું પડતું મુકાવી કેવો ખડો કરી દીધો, અને એને કેવાં ભયાનક જોખમમાં ઝંપલાવવા પ્રેરણા આપી આજીવન વીર બનાવ્યો, એ આખી વાત તો વાલજીભાઈએ આપેલા ઠાવકા ચિતાર પરથી મેં સોરઠી રસધાર ભાગ પાંચમામાં (હીપો ખુમાણ) આલેખેલી પડી છે, ને એનાં પ્રુફ તો મેં પચીસ વાર વાંચ્યાં હશે. એ વાર્તા મેં જાહેરમાં સંભળાવી પણ છે વારંવાર, છતાં આજે આંખો એનાં આઠ પાનાંનાં ટાંચણ પર ફરે છે અને કબરમાં પોઢી ગયેલા ખોજા વાલજી ઠક્કરનું વ્યક્તિત્વ એ મીટ જેવા જ મેળાપની ફ્રેમ વચ્ચે મઢાઈને પ્રત્યક્ષ થાય છે. ધંધે ગામડાનો વેપારી, ન્યાતે ખોજો, વયે પચાસેક વર્ષનો, મોભાદાર અને અડીખમ આ માણસ પોતે એક એમેચ્યુર શિલ્પી હતો. પણ એ અપવાદ રૂપ કોઈ નિરાળી પ્રતિભા નહિ પણ સામાન્યતાનો પ્રતિનિધિ હતો. વાતડાહ્યાપણું એ સૌરાષ્ટ્રનો એક સંસ્કાર છે. હમણાં જ એક સ્નેહીનો કાગળ હતો, લખતા હતા કે ‘કાગળ લાંબો લખું છું તેથી કદાચ કંટાળશો. પણ માણસ જેમ વયમાં વધતો જાય છે તેમ તેમ એની garrulous–વાતોડિયા પ્રકૃતિ જોર કરે છે.’ મેં સામું લખ્યું કે વાતો કરવાની, અવિરામ વાતોના તડાકા હાંકે રાખવાની ચાતુરીભરી રુચિને તો હું આપણો એક સંસ્કાર સમજું છું. જો એ સંસ્કાર આપણામાં મજબૂત ન હોત તો વડીલ ઘરઆંગણે બે બે પુત્રવધુઓને કડાવો ઝેર લાગત અને બાળકોને ડરકામણો દેખાત. અરધી જિંદગી સુધી જોયેલું જાણેલું, જે સંચિત જ્ઞાન, તેને પહેલદાર વાત–કૌશલ દ્વારા નવી પેઢીને આપતા