પૃષ્ઠ:Parkamma.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
પરકમ્મા :
 

 પિતાએ, પોતાને સંતાનમાં જે એક જ હતી તે પુત્રીને પરણાવી કરી, એને આણે તેડવા આવેલ જમાઈ સાથે પોતાના ઘરની કુલઝપટ સંપત્તિ સાથે વિદાય દીધી. જેવી બાઈ બધો કરિયાવર લઈને ગામ સોંસરી વેલડાંમાં નીકળે છે તેવા જ ચોરે બેઠેલા પિતરાઈઓ ડાંગ તલવારો લઈ આડા ફરે છે : ‘નહિ લઈ જવા દઈએ આટલું બધું. વાંસે અમે વારસ બેઠા છીએ.’

બાઈએ કહ્યું– ‘વેલડું પાછું વાળો.’

તેડવા આવેલ ધણીને એણે કહ્યું કે ‘ધાધલ, આ લે, તું આ રૂપિયા લઈ જા. બીજે પરણી લેજે.’

કે ‘કા ?’

કે ‘હું તો મારા બાપને દીકરો થયા પછી જ આવીશ. તે પહેલા તું મારો ભાઈ છો.’

બાપને બીજે પરણાવ્યો. દૂધના કઢા પાઈ મર્દ બનાવ્યો. વરસ દહાડે નવી માને દીકરો આવ્યો એની છઠ્ઠી કરી, પછી ધાધલ પતિને કહેવરાવ્યું કે ‘હવે તું તારે મને તેડી જાજે.’

પછી તો બધું જ લઈને દીકરી સાસરે જવા નીકળી, ચૉરે બેઠેલા પિતરાઈઓને વેલની ફડક ઊંચી કરીને કહ્યું : ‘હવે આવો આડા ફરવા.’

‘હવે શું આડા ફરીએ ? ’

‘હા જ તો. શું ફરો ! ઘોડીએ ભાઈ રમે છે.’

આંહીં સુધી તો મેં વાત આપી છે, પણ તે પછીનો પ્રસંગ ટાંચણમાં જ રહી ગયેલો આજે સામો મળે છે. આ વૃદ્ધ કાઠીના જે બે દીકરા થયા તેનાં નામ સૂરો ને માત્રો. મોટપણે એમણે સાંભળ્યું કે વડાળાના કણબીએ પોતાના બે બળદોનાં નામ આપણાં નામ પરથી સૂરો ને માત્રો પાડ્યાં છે માટે જઈને એને ઠાર મારીએ.