પૃષ્ઠ:Parkamma.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 : પ્રયાણ ત્રીજું
૧૩૧
 


ગયા પટેલને ખેતરે. જુએ તો પટેલે બેઉ બળદોની ગમાણમાં એક કોર ખોળ ભર્યો છે ને બીજી કોર કપાશીઆ ભર્યા છે. બેઉને ખાવું હોય તેટલું ખવરાવે છે ને ‘બાપો સુરા !’ ‘બાપો માત્રા !’ કરતો જાય છે. પશુ પર પ્રેમથી ઓછો ઓછો એ થઈ રહ્યો છે.

બેઉ ભાઈઓ ગયા’તા તો પટેલને મારવા, પાછા વળ્યા બન્નેની ઘોડીઓ પટેલને ઈનામમાં આપીને.

એની એ જ વાતઃ સંસ્કાર : આજે આપણે એને ખેલદિલી, રમતવીરતા, સ્પોર્ટસ્મેનશીપ વગેરે અનેક શબ્દો વડે ઓળખીએ છીએ.

ખાનખાનાન નવાબ

દાનના પ્રકારો વર્ણવું છું તેજ ટાણે ટાંચણનું નવું પાનું દાનના ઉદાત્ત સંસ્કારનો મર્મ બતાવતો પ્રસંગ રજૂ કરે છે —

ખાનખાનાન નવાબ, એ નામના મોટા અમીર અકબરશાહને રાજદરબારે શોભતા હતા. દાનેશ્વરી હતા. પણ દાન દેતા દેતા શરમાતા. કવિ પ્રશ્ન લખી મોકલે છે.

સીખે કહાં નબાબ જી,
એસી દેતે દેન?
જ્યું જ્યું કર ઊંચે કરો,
ત્યું ત્યું નીચે નેન.

અર્થ—હે નવાબ ખાનખાનાન ! આવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા, કે જેમ જેમ હાથ ઊંચો કરો છો તેમ તેમ નેણાં નીચાં ઢળે છે?

ખાનખાનાન જવાબ મોકલે છે. (તે કવિ હતા)

દેને વાલા ઓર હે,
ભેજત એ દિનરેન,
લોક ભરમ હમ પે ધરે
તાતે નીચે નેન.