પૃષ્ઠ:Parkamma.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
પરકમ્મા :
 

યાદ આવે છે? એ વર્ણન ગગુભાઇનું કરેલું. એ પાતકની આહ વૃદ્ધ કાઠી રાઠોડ ધાધલને કેવી જલાવી રહી હતી તે યાદ આવે છે ? એ વર્ણન ગગુભાઈનું કરેલું. રાઠોડ ધાધલના વીરમૃત્યુને ‘એપીક’ ઘટના બનાવીને કરેલું આલેખન યાદ આવે છે? એ શિલ્પ ગગુભાઇનું. એ ચિત્રો આલેખવા ટાણે કોણ કહી શકે કે ગગુભાઈની રસના–પીંછીમાં હળવાશ પણ ભારોભાર હશે !– એ હળવાશનો દાખલો મારા ટાંચણમાં એકલિયા બહારવટિયાના બ્યાન રૂપે મોજુદ છે. છોકરું મોઈડાંડિયે રમતું હોય એટલી મોજભરી બાનીમાં ગગુભાએ એકલિયા નામના ચોરને આલેખ્યો—

એકલિયો બહારવટીઓ

ચારણ હતો. મૂળ નામ પૂનરવ. પહેલાં મીંયાણા મોવર સંધવાણી ભેળો બહારવટે. પણ ભડ્યું નહિ. એકલું બહારવટું આદર્યું. એટલે પંડે જ. જેથી કહેવાણો એકલિયો.

પાસે એક ટારડી ઘોડી. જસદણ તાબે ભાદર નદીમાં એક દી’ ટારડીને ધમારે છે. ત્યાં દરબારી માણસો કુંવર જીવા ખાચરની ઘોડિયું ધમારવા આવ્યા. કહ્યું કે એલા તારી ટારડીને બહાર કાઢી લે. થઈ બોલાચાલી, એકલિયે બહાર નીકળીને દરબારી માણસોને પોતાની ટારડીની સરકથી માર્યા. કાનફટીઉં તોડી નાખી. દરબાર આલે ખાચરે ત્રણ મહિનાની કેદ આપી. છૂટ્યો ત્યારે કહેતો ગયો કે દરબારને કે’જો ચેતતા રહે.

*

મોટા અણીઆળી ગામમાં પટેલને ઘેર ઘોડી હતી. જઈને કહે કે ‘ઘોડી લેવી છે.’