પૃષ્ઠ:Parkamma.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
પરકમ્મા :
 

 થયો. વાઘરીને કહે ‘તું હવે ખસી જા.’ એમ કહીને વોંકળાને કાંઠે ચડ્યો. ચડતાં જ ગીસત સામે દરસાણી. ગીસતની અને પોતાની વચ્ચે આડું એક ખીચોખીચ ઝાળું આવેલું હતું. પણ પોતે બીજી બાજુ તર્યો નહિ. જરાક તરીને ચાલે તો શત્રુઓને વાંસો દેખાડ્યા જેવું થાય એટલે સામી છાતીએ ઝાળાં સોંસરવો પડ્યો, કાંટે ઉઝરડાતો ગયો ને બહાર નીકળ્યો.

ત્યાં તો ગીસત લગોલગ થઈ ગઈ ભાલા સોતો એકલિયો છાલંગ મારીને ગીસતના સરદાર વેળા ખાચરને માથે ગયો. એ ભાલાનો ઘા ચૂકવવા માટે વેળા ખાચર ઘોડી ઉપરથી નીચે ખાબક્યો, કે તુરતજ એકલિયે ઘોડીને ભાલું ટેકવી, પેંઘડામાં પગ દઈ હને હાથ માંડી ઘોડી માથે ચડવા હલુંબો દીધો. દેતાં એનું માથું ઊંચું થયું તેમ તો ધડ ! ધડ ! ધડ ! એકસામટી સાત ગોળીઓ માથાની ખોપરીને વીંધતી ગઈ.

તોય એકલિયો પડ્યો નહિ. ભાલાનો ટેકો દઈ ગોઠણીઆંભર બેઠો. છેલ્લી ઘડીએ બારવટિયો ભારી રૂડો દેખાયો. ત્યાં તો પ્રાણ છૂટી ગયા. એટલે કાઠીઓએ આવીને એના મુડદા ઉપર પેટ ભરીને ભાલાં માર્યાં ને ગીડાઓએ એના લોહીથી પોતાનાં કાતર્યા રંગ્યા. એની લાશને જસદણ લઈ ગયા.

‘વેળા ખાચર !’ દરબાર આલા ખાચરે બારવટિયાના શરીર ઉપરના જખ્મો જોઈ ઝીણે અવાજે કહ્યું, ‘આ બધા બંદૂકના ઘા નો’ય બા ! આ તો વેરી મુઓ ઇ પછીનાં પરાક્રમ લાગે છે !’

‘અને ત્રીસ અસવાર થઈને એક માંદા શત્રુનેય જીવતો ન ઝાલી શક્યા બા ! રંગ છે !’

પાલાવાને વોંકળે રાતોરાત કોઈ એક ખાંભી ઊભી કરીને સિંદૂર ચડાવી ગયું હતું. અત્યારે એ ખાંભી ત્યાં છે.