પૃષ્ઠ:Parkamma.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
પરકમ્મા :
 


વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો
મટી ગયો મનનો સરવે શોક;
અંતર બદલ્યું, નિરમળ બની બેઠાં,
સંકલ્પ સમાણો ચૈતન માંઈ;
હાણ ને લાભની મરી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખાલી ગયો ચિત્તલાઈ.

જ્યાં રે જોવે ત્યાં તો હરિ હરિ ભાળ્યા,
રસ તો પીધો છે અગમનો અપાર,
એક નવધા ભગતિ સાધતાં
મળી ગયો તુરિયામાં તાર.

આવી ભજનવાણી વડે નવી ટાંચણ–પોથીઓ ભરાઈ રહી છે, અને લોકસાહિત્યના રેવતાચળ ફરતી મારી પરકમ્માનો છેડો આવતો નિહાળું છું. ભજનવાણી, એ આ પરકમ્માનું અંતિમ સીમાચિહ્ન છે.

સોરઠી સાગરના સાવઝ

નવાં પાનાં ઊઘડે છે, અને મહિનાઓ પૂર્વે સાંભળી રાખેલું નામ–દુલા ભગત–અંકાયેલું છે. શ્રી દુલાભાઈનો પ્રથમ મેળાપ ભાવનગરમાં થયો. પ્રભુના ને ચારણી દેવીઓના નિજરચ્યા છંદો મને સંભળાવ્યા. ડોંગળી બાની પર સારો કાબૂ, કલ્પનાઓ ઊંચી, પણ. ઝડઝમક–ઝડઝમક–બેહદ ઝડઝમક. આજે તો એની વાણી એ તમામ ઝડઝમકને ગાળી નાખીને સાદા સલૂણા સર્વભોગ્ય કાવ્યપ્રકારોમાં આસાનીથી રમે છે, અને કેટલાંક તો અપૂર્વ ગણી શકાય તેવાં સ્વરૂપને સિદ્ધ કરી ચૂકી છે. સહજમાં સ્નેહ બંધાઈ જાય તેવા રસિક અને હેતાળ જુવાન, મંડ્યા ગીરની ને દરિયા–કાંઠાની વાતું કરવા. એમાંથી ભાવનગર–કંઠાળના ચાંચિયા સાગર–સિંહોની ઓળખાણ મળી : ખીમો વાજો કોટડાનો, કાળો ભીલ કોટડાનો, દંતો કોટીલો ડેડાણનો, એવા ડાંખરા બહાદુરોનાં વૃત્તાંતો સાંભળ્યાં, અને પછી તો એક દિવસ એ ગીરના અને સાગરતીરના પ્રવાસે દુલાભાઈની