પૃષ્ઠ:Parkamma.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જીવનની એ સનાતન સમસ્યા છે. સાચો પ્રેમ પલના યે વિલંબ વિના સમસ્યાનો નિકાલ લાવે છે–

‘ધોળી ભીંજાય મારી ચૂંદડી રે
‘મારે રાખવો સનેહ’

‘ઘોળ્યો’ — એ એક જ શબ્દમાં આ પંજાબીઓએ, સિંધીઓએ અને સોરઠવાસીઓએ નિછાવરપણાની કેટલી બધી ઘટ્ટ ઘન તાકાતની ઊર્મિ ભરી આપી છે ! સામા પારના વાસી પિયુ મેહારને છેલ્લી વાર મળવા જતી સુહિણીએ પણ સિંધુનાં મધ્યવહેનમાં મધરાત્રિએ ઓગળેલ ઘડાનો આધાર ગુમાવ્યો હતો ત્યારે આ ‘ઘોળ્યો’ શબ્દ જ ઉચ્ચાર્યો હતો : ‘ઘર ભગો ત ગોરેઓ—’ ઘડો ભાંગ્યો તો ઘોળ્યો ! આપબળે તરીને આ ભયાનક સિંધુ–પ્રવાહ પાર કરીશ, પાછી તો નહિ જ વળું. મારા પિયુ વાટ જોઇ રહેશે.

મુસ્લિમ સંસ્કારની પ્રસાદી

ભાવનગરને ઘરઆંગણે ચૂનાની કૂંડીમાં ઘોકા પડે છે, અને બીજું એક ગીત એના તાલ-સ્વર-બોલની ત્રેવડી ધારે સિંચાય છે—

ધૂપ પડે ને ધરતી તપે છે ભલા
ધૂપ પડે તો ધરતી તપે છે ભલા !

સૂરજ રાણા ધીમા તપોને
મારી મેંદીનો રંગ ઉડી જાય !

કોના હાથપગની હથેળીઓ પાનીઓ પરથી સંસાર–સૂરજના ઉગ્ર સંતાપ આ મેંદીનો રંગ ઉછેડી લેતા હશે ? કોઈક મિંયાંની બીબીના જ તો ! મેંદીના લાલી–શણગાર સજતી. એજન્સી થાણાના પોલીસોની ગરીબ રસિક સિપારણોમાં મારી શૈશવ–સ્મૃતિમાંથી તરવરી આવે છે. સાત સાત રૂપિયાના પગારદાર પતિઓની એ સપારણો બે રીતે લાલી પ્રગટાવતી : મસાલા વાટીને અને મેંદી વાટીને : Food & Sex :